BREAKING NEWS

અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામમાં મુકેલી પોસ્ટના વિવાદમાં 19 વર્ષના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

  • April 23, 2026 09:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના સંવેદનશીલ ગણાતા જુહાપુરા વિસ્તારમાં સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના વિવાદે ગંભીર વળાંક લીધો છે. જૂની અદાવત અને સોશિયલ મીડિયા પોસ્ટને લઈને થયેલી બોલાચાલીમાં 19 વર્ષીય મોહમ્મદ સાલીક શેખ નામના યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, જુહાપુરાના જુવેરિયા ફ્લેટમાં રહેતો મોહમ્મદ સાલીક શેખ અને અજીમ પાર્ક પાસે રહેતા રેહાન પઠાણ વચ્ચે ગત રમઝાન મહિના દરમિયાન કોઈ બાબતે ઝઘડો થયો હતો. ત્યારથી બંને વચ્ચે મનદુઃખ ચાલતું હતું. આ જૂની અદાવતમાં ત્યારે વધુ ઘી હોમાયું જ્યારે મોહમ્મદ સાલીકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી મૂકી હતી. આ પોસ્ટ આરોપી રેહાન પઠાણને પસંદ ન આવતા તે ઉશ્કેરાયો હતો અને બંને વચ્ચે ફરીથી વૈમનસ્ય વધ્યું હતું.


ગઈકાલે મોહમ્મદ સાલીક તેના મિત્રો સાથે આઈશા મસ્જિદ નજીક પહોંચ્યો હતો, જ્યાં રેહાન પઠાણ અને તેના સાગરિતો પણ હાજર હતા. કહેવાય છે કે તેઓ વિવાદનો ઉકેલ લાવવા માટે મળ્યા હતા, પરંતુ વાતચીત દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી એટલી હદે વધી ગઈ કે આરોપી રેહાન પઠાણે આવેશમાં આવીને પોતાની પાસે રહેલી છરી કાઢી હતી અને મોહમ્મદ સાલીકના પેટના ભાગે ઘા ઝીંકી દીધા હતા.


છરીના ગંભીર ઘા વાગતા મોહમ્મદ સાલીક લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. આસપાસના લોકો તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ઇજાઓ એટલી ગંભીર હતી કે ટૂંકી સારવાર દરમિયાન જ તેણે દમ તોડી દીધો હતો. યુવાન પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


જાહેરમાં થયેલી આ હત્યાની ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ વેજલપુર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને તપાસ શરૂ કરી હતી અને ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી રેહાન અબ્બાસઅલી પઠાણ અને તેના અન્ય સાથીદારોની ધરપકડ કરી લીધી છે.

હાલ પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ હત્યામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ. આ ઘટના બાદ જુહાપુરા વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને. સોશિયલ મીડિયા પરની નજીવી વાતો ક્યારે મોટી દુર્ઘટનામાં પરિણમી શકે છે, તેનું આ કમનસીબ ઉદાહરણ સામે આવ્યું છે. પોલીસે લોકોને પણ સોશિયલ મીડિયાના ઉપયોગમાં સંયમ રાખવા અને નાની બાબતોને મોટી ન બનાવવા અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application