ખંભાળિયામાં ૧૮૧ અભયમ મહિલા ટીમ ૭૦ વર્ષીય વૃદ્ધાની મદદે આવી
સાસુ-વહુના વિવાદનું સુખદ નિરાકરણ
ખંભાળિયા તાલુકામાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે ફરી એકવાર માનવતા અને સંવેદનશીલતા દાખવીને એક પરિવારમાં ઉભા થયેલા સાસુ-વહુના વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલી સુખદ સમાધાન કરાવ્યું છે.
ભાણવડ તાલુકાના નજીક આવેલા ગામમાં રહેતી આશરે ૭૦ વર્ષીય વૃદ્ધ મહિલાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરી પોતાની વ્યથા રજૂ કરી હતી. વૃદ્ધાએ જણાવ્યું હતું કે, તેઓ વૃદ્ધાવસ્થાના કારણે શારીરિક રીતે અશક્ત બનતા જતા હોવાથી ઘરકામ અને રોજિંદી જરૂરિયાતો માટે તેઓ પોતાના દીકરા અને પુત્રવધુ પર નિર્ભર છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પુત્રવધુ સાથે ઘરકામ અને જમવાનું બનાવવાના મુદ્દે વારંવાર મતભેદો થતા રહેતા હતા, જે દરમિયાન ઝઘડા વધીને મારપીટ સુધી પહોંચી ગયા હતા. દીકરાએ પણ પુત્રવધુના કહેવા પર માતાના કામોમાં મદદ ન કરવાની મનાઈ કરી દેતા વૃદ્ધા માનસિક રીતે દુ:ખી બની ગયા હતા.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ૧૮૧ અભયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમમાં કાઉન્સેલર રૂપલ મકવાણા, મહિલા પોલીસ મોનિકાબેન તથા પાઇલટ પ્રકાશભાઈ સામેલ હતા. ટીમે સૌપ્રથમ વૃદ્ધાને સાંત્વના આપી અને તેમની વ્યથા સમજી, ત્યારબાદ દીકરા અને પુત્રવધુ સાથે વિગતવાર વાતચીત કરી હતી. કાઉન્સેલિંગ દરમિયાન ટીમે પરિવારના સભ્યોને સમજાવ્યું કે માતા-પિતાએ પોતાના સંતાનો માટે આખું જીવન સમર્પિત કર્યું હોય છે અને વૃદ્ધાવસ્થામાં તેમની સંભાળ રાખવી સંતાનોની નૈતિક તેમજ સામાજિક ફરજ છે. વડીલોને માન-સન્માન અને સહારો આપવો એ પરિવારની એકતા માટે જરૂરી છે. સાથે સાથે ટીમે કાયદાકીય માર્ગદર્શન પણ આપ્યું અને પરિવારને સંવાદ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવા પ્રેરિત કર્યું.
વિગતવાર ચર્ચા અને સમજણ બાદ બન્ને પક્ષો વચ્ચેના મતભેદો દૂર થયા હતા. દીકરા અને પુત્રવધુએ પોતાની ભૂલ સ્વીકારી વૃદ્ધા પાસે માફી માગી અને ભવિષ્યમાં તેમની યોગ્ય રીતે સંભાળ રાખવાની ખાતરી આપી. અંતે પરિવાર રાજીખુશીથી એકમેક સાથે સમાધાન પર આવ્યો. આ પ્રસંગે વૃદ્ધા મહિલા ભાવુક બની ખંભાળિયા ૧૮૧ અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા સમયસર કરાયેલા હસ્તક્ષેપને કારણે એક પરિવાર વિખરાતા બચી ગયો અને સમાજમાં સંવેદનશીલ સેવા કાર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.