BREAKING NEWS

જામનગર : પુત્રની દેવાદારી અને કુટેવોથી કંટાળેલી માતાની વ્હારે આવી ૧૮૧ અભયમ હેલ્પલાઇન

  • June 30, 2026 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પુત્રની દેવાદારી અને કુટેવોથી કંટાળેલી માતાની વ્હારે આવી ૧૮૧ અભયમ હેલ્પલાઇન

કાઉન્સિલિંગ બાદ પુત્રએ પોતાની ભૂલ સ્વીકારી, માતાને આર્થિક સહયોગ આપવા અને સુધરવાની ખાતરી આપી

એક પીડિત મહિલાએ પોતાના પુત્ર દ્વારા કરવામાં આવતી સતત માનસિક હેરાનગતિ અને આર્થિક બેદરકારીથી કંટાળી ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી મદદ માંગતા, અભયમ ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી કાઉન્સિલિંગ અને સુખદ સમાધાનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઘટનાની વિગત એવી છે કે, પીડિત મહિલાએ ૧૮૧ અભયમ હેલ્પલાઇન પર ફોન કરીને આપવીતી જણાવી હતી કે, તેમનો પુત્ર સરકારી નોકરીમાં હોવા છતાં ઘરખર્ચમાં કોઈ આર્થિક સહયોગ આપતો નથી. આ ઉપરાંત, તે અવારનવાર વિવિધ વ્યક્તિઓ પાસેથી મોટી રકમની લોન તથા ઉધાર રૂપિયા લે છે. આ ઉધાર આપનારા લેણદારો વારંવાર ઘરે આવીને વૃદ્ધ માતાને ઉઘરાણી માટે હેરાન કરતા હતા તેમજ અપમાનજનક શબ્દો બોલીને માનસિક ત્રાસ આપતા હતા. માતાના જણાવ્યા મુજબ, પુત્રની આ કુટેવોના કારણે અગાઉ પણ તેમણે પોતાના તરફથી પુત્રના વ્યાજની મોટી રકમ ચૂકવવી પડી હતી.

પુત્રની આર્થિક બેદરકારી, બિનજવાબદાર વર્તન અને લેણદારોના સતત ત્રાસથી પરેશાન થઈને આખરે માતાએ પોતાના પુત્રને યોગ્ય માર્ગે લાવવા માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી.

માહિતી મળતાની સાથે જ ૧૮૧ અભયમ હેલ્પલાઇનની કાઉન્સિલર અને ટીમ તાત્કાલિક મહિલાના ઘરે પહોંચી હતી. ટીમે સૌપ્રથમ મહિલાનું કાઉન્સિલિંગ કરી તેમને જરૂરી માનસિક આધાર અને આશ્વાસન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ, મહિલાના પુત્ર સાથે વિસ્તૃત અને ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. તેને માતા પ્રત્યેની નૈતિક અને કાનૂની જવાબદારીઓ, પરિવાર પ્રત્યેની ફરજો તેમજ આડેધડ ઉધાર લેવાની કુટેવોના કારણે ભવિષ્યમાં આવનારા ગંભીર કાનૂની પરિણામો અંગે કડક શબ્દોમાં સમજાવવામાં આવેલ.

અભયમ ટીમના સચોટ કાઉન્સિલિંગ દરમિયાન પુત્રને પોતાની ભૂલ સમજાઈ હતી અને તેણે લેખિત/મૌખિક ખાતરી આપી હતી કે, ભવિષ્યમાં તે કોઈપણ વ્યક્તિ પાસેથી આ રીતે આડેધડ ઉધાર કે લોન નહીં લે. તેમજ હવેથી નિયમિત રીતે ઘરખર્ચ માટે માતાને આર્થિક સહયોગ આપશે અને માતાને કોઈપણ પ્રકારની માનસિક કે આર્થિક હેરાનગતિ નહીં પહોંચાડે.

લાંબા સમયની આ માનસિક પીડામાંથી મુક્તિ મળતા અને દીકરો સાચા રસ્તે આવતા માતાએ ભીની આંખે ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા આવી જરૂરિયાતમંદ મહિલાઓને સમયસર કાઉન્સિલિંગ, માર્ગદર્શન અને જરૂરી કાનૂની-માનસિક સહાય પૂરી પાડીને પારિવારિક વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણ માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News