કરણપરામાં બંધ મકાનમાંથી 16 લાખની ચોરી

  • July 09, 2024 02:40 PM 


રાજકોટ શહેરમાં ચોર મચાયે શોર જેવો માહોલ થઈ પડયો છે, ગુનેગારો માટે રેઢુપડ બની ગયેલા શાંત શહેર રાજકોટમાં વધુ એક સ્થળે લાખોની ચોેરી થઈ છે. કરણપરા શેરી નં.૧૩–૧૪ના કોર્નર પર રહેતા ઈલેકટ્રીક ગુડસના વેપારીના બધં મકાનમાં ખાબકેલા તસ્કરોએ સોના–ચાંદીના ઘરેણા, ચાંદીની બે ઈંટ, ૭૫ હજારની રોકડ મળી કુલ રૂા.૧૬ લાખથી વધુની માલમત્તાનો હાથ માર્યેા છે. બનાવના પગલે રાબેતા મુજબ પોલીસની ટીમો દોડી ગઈ છે અને એક તેરા સહારા માફક સીસીટીવી ફટેજ ચકાસતા ફટેજમાં એક તસ્કર કેદ થયેલો છે. જેના આધારે હવે પોલીસને લપડાક મારનાર આ તસ્કરનું પગેરૂ દબાવવા માટે અલગ અલગ વિસ્તારોના સીસીટીવી ફટેજ અને ટેકનીકલ સોર્સ થકી તપાસના ઘોડા દોડાવાયા છે.

કરણપરા શેરી નં.૧૩–૧૪ના કોર્નર પર સિધ્ધાર્થ નામનું મકાન ધરાવતા કેકીનભાઈ દિલીપભાઈ શાહ સાંગણવા ચોક નજીક ઈલેકટ્રીક આઈટમોનો વેપાર દુકાન ધરાવે છે. કેકીનભાઈના ઘરમાં ઉધઈ થઈ ગઈ હોવાથી ગત શનિવારના રોજ બપોરના સમયે ઉધઈ પેસ્ટીંગવાળા મારફતે દવા છંટકાવ કરાવ્યો હતો. ઘરમાં  વાસ આવતી હોવાથી નજીકમાં રહેતા ફૈબાના ઘરે કેકીનભાઈ અને તેના પત્ની, બાળકો બે દિવસ માટે ગયા હતા. રવિવારના રોજ તેમજ ગઈકાલે સોમવારે પણ શાહ પરિવાર દ્રારા ઘરની મુલાકાત લેવાઈ હતી. આજે સવારે ઘરે આવતા દરવાજાના તાળા તુટેલા જોવા મળ્યા હતા. જેથી ચોરી થયાની શંકા ઉપજી હતી અને તુર્ત જ ઉપલા માળે રૂમ ચેક કરવામાં આવ્યો હતો. રૂમમાં પ્રવેશતા કબાટના તાળા તુટેલા હતા. ડ્રોઅર, તિજોરી પણ તુટેલી હતી. સામાન વેરવિખેર પડયો હતો. કબાટમાં રહેલા સોના–ચાંદીના અલગ અલગ ઘરેણાઓ પણ ગાયબ હતા. ચાંદીની બે ઈંટ પણ જોવા મળી ન હતી. કબાટમાં રાખેલી ૭૫ હજાર જેટલી રોકડ પણ ગાયબ હતી. તુર્ત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. ચોરી થયાની જાણ થતાં એ–ડીવીઝન પીઆઈ બારોટ, ક્રાઈમ બ્રાંચની ટીમ, એલસીબી ઝોન–૨ની ટીમ પહોંચી હતી. ડીસીપી સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. પ્રાથમીક તપાસમાં સોના–ચાંદીના ઘરેણા, રોકડ મળી અંદાજે ૧૬ લાખ જેવી માલમત્તાની ચોરી થયાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસે નજીકના સીસીટીવી કેમેરા ચેક કરતા એક શખસ ઉપરના માળે હોવાનું દેખાયું છે. ગતરાત્રીથી આજે વહેલી સવાર સુધીના સમય દરમ્યાન ઘરમાં ચોરી થઈ છે. ફીંગર પ્રિન્ટ નિષ્ણાતં તેમજ ડોગ સ્કવોડની પણ મદદ લેવાઈ હતી. પોલીસે સીસીટીવીમાં દેખાતો તસ્કર કઈ તરફ ગયો ? તે શોધવા માટે અન્ય સીસીટીવી કેમેરા પણ ચેક કરવાની કવાયત હાથ ધરી છે. ઉધઈ પેસ્ટીસાઈડ કરનાર વ્યકિતઓની પણ પોલીસે પુછપરછ કરી હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application