ભાણવડ: ૧૬ કલાકનો વિજ કાપ: શહેરીજનો ત્રાહીમામ
આજકાલ પ્રતિનિધિ
ભાણવડમાં કાળઝાળ ગરમીએ કાળો કેર મચાવ્યો છે, ત્યારે પીજીવીસીએલના તંત્ર વાહકોએ પ્રિમોન્સુન કામગીરીનાં પાળા નામે સળંગ સોળ કલાકનો વિજકાપ પ્રજામાથે ઠોકી દેતાં શહેરભરમાં વીજતંત્ર સામે આક્રોશ ઉઠયો છે. આ બાબતને લઇને ભાણવડ ચેમ્બર્સ ઓફ કોમર્સના અગ્રણી નિમેશભાઇ ઘેલાણીએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી પ્રજાને બાનમાં લેનારા તંત્ર સામે તપાસની માંગ કરી છે.
શહેરમાં હમણાંને હમણાં વીજ પુરવઠાનાં ધાંધીયાએ માઝા મુકી છે. આખા દિવસમાં અવાર નવાર વીજ પુરવઠો ગુટલી મારી જાય છે, એમાં વળી બે દિવસ પહેલાં આળસુ અને બેજવાબદાર તંત્રે સળંગ સોળ કલાક સુધી વીજ પુરવઠો ખોરવી નાખી પ્રજાને રીતસર બાનમાં લેતાં શહેરીજનો આગ બબુલા બની ગયા હતા.
આટલું ઓછુ હોય તેમ સોમવારે મઘ્યરાત્રીના દોઢેક વાગ્યાથી લગભગ સવારનાં ચાર વાગ્યા સુધી વધારાનો કાપ ઝીંકી દેતાં લોકો કાળઝાળ ગરમીમાં અકળાઇ ઉઠયા હતા. વીજ પાવર ડુલ થવાથી ખાસ કરી નાના બાળકો તેમજ બીમાર દર્દીઓની હાલત દયનીય બની જાય છે. ત્યારે આ વાત આળસુ અને બેજવાબદાર તંત્રને કેમ સમજાતી નથી ? એવો સવાલ વેપારી મંડળે ઉઠાવ્યો છે.
અત્રે નોંનીય બાબત એ છે કે વીજ ચોરીનાં નામે જયાં ત્યાં દરોડા, પાડવામાં અને સમય મર્યાદામાં વીજ બીલ નહીં ભરનારા ગ્રાહકોનાં કનેકશન કાપી નાખવાની વાત સુધી પહોંચી જતું વીજ તંત્ર ગ્રાહકોને સંગીન સુવિધા આપવામાં નિષ્ફળ પુરવાર થતાં ટીકાને પાત્ર બન્યાનું પણ ચેમ્બર્સએ જણાવ્યું છે.