માનવસેવા માટે નિસ્વાર્થ ભાવે સેવારત 14 મહાનુભાવોનું ધરતી રત્ન એવોર્ડથી સન્માન

  • November 25, 2023 09:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રસિદ્ધિની પરવા કર્યા વિના, માનવસેવા માટે કાર્યરત ૧૪ મહાનુભાવોનું ધરતી રત્ન એવોર્ડથી સન્માન કર્યું હતું. આરોગ્ય અને સેવાના ક્ષેત્રમાં ૪૭ વર્ષોથી સેવારત આશીર્વાદ ફાઉન્ડેશન તરફથી અપાતા આ એવોર્ડના અર્પણ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, સ્વાર્થ વિના સમાજ સેવા કરતા લોકોનું સન્માન કરવું એ સમાજનું કર્તવ્ય છે. આવું સન્માન અન્ય લોકોને સેવા કરવાની પ્રેરણા આપે છે.


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, અન્નનો એક દાણો ધરતીમાં ભળી જઈને અનેક દાણા ઉત્પન્ન કરે છે, એમ માનવસેવા માટે સમર્પિત વ્યક્તિઓ સુંદર સમાજનું નિર્માણ કરે છે. જે સમાજમાં પરસ્પર સહ્રદયતા અને અપનાપન હોય ત્યાં સુખ અને આનંદની અનુભૂતિ થાય છે. ધરતી રત્ન એવોર્ડથી સન્માનિત મહાનુભાવોને તેમના કાર્યો માટે અભિનંદન પાઠવતાં તેમણે આવા સેવા કાર્યોને જ સાચી માનવતા ગણાવ્યા હતા. અન્યનું દુઃખ પોતાના હૃદયમાં અનુભવી શકે, અન્યના આંસુ પોતાની આંખેથી વહાવી શકે અને પરોપકાર માટે જીવે તે જ જીવનનું સાર્થક્ય છે.


સમાજના કલ્યાણ માટે થયેલા સત્કર્મોથી જ લોકોના દિલમાં અને માનસમાં સ્થાન મળે છે. એમ કહીને રાજ્યપાલશ્રીએ કહ્યું કે, શ્રીરામ, શ્રીકૃષ્ણ, મહાત્મા ગાંધીજી, સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ આજે પણ અમર છે, તે તેમના કર્મોને આભારી છે. સત્કર્મથી મોટી કોઈ મૂડી નથી. ધરતીમાં જે વાવીએ છીએ તે જ લણીએ છીએ. સદ્કાર્યનું ફળ સુખ-શાંતિ છે અને ખરાબ કર્મોનું ફળ પીડા અને પરેશાની છે. તેમણે આશીર્વાદ ફાઉન્ડેશન જેવી સેવાભાવી સંસ્થા માટે દાનની સરવાણી વહાવનાર દાતાઓને પણ અભિનંદન આપ્યા હતા.



અમદાવાદના શાહીબાગમાં સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તમામ નાગરિકોને પોતાના 'ફેમિલી ડોક્ટર' હોય છે એમ હવે એક 'ફેમિલી ફાર્મર' રાખવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, આપણે આપણા રોજબરોજના જીવનમાં અનાજ, શાકભાજી, ફળ, દૂધ વગેરેમાં ધીમું ઝેર આરોગી રહ્યા છીએ. પેસ્ટીસાઈડ્સ અને રાસાયણિક ખાતરના અંધાધુંધ ઉપયોગથી આપણું અન્ન દૂષિત થઈ ગયું છે, જેના કારણે અનેક જીવલેણ રોગો સામે આપણે જજુમી રહ્યા છીએ. આપણું અન્ન આરોગ્યપ્રદ અને પ્રદૂષણમુક્ત હોય એ અનિવાર્ય છે. માટે રાસાયણિક ખાતર કે પેસ્ટીસાઈડ્સના ઉપયોગ વિના, માત્ર દેશી ગાયના ગોબર-ગૌમૂત્રથી થતી પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થતા અનાજ, ફળો અને શાકભાજી ખાવાનો આગ્રહ રાખો. આ માટે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને પ્રોત્સાહન આપો. તેમણે કહ્યું કે ગુજરાતમાં પોણા નવ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. આગામી બે વર્ષમાં ગુજરાતને સંપૂર્ણ ઝેરમુક્તખેતી કરતો પ્રદેશ બનાવવાની નેમ સાથે રાજ્ય સરકાર પ્રમાણિકતાપૂર્વક પ્રાકૃતિક ખેતીનું મહા અભિયાન ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application