128 વર્ષની આતુરતાનો આવ્યો અંત, ક્રિકેટને ઓલિમ્પિકમાં ઓફીશીયલ એન્ટ્રી મળવામાં વિરાટનું પણ યોગદાન

  • October 17, 2023 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૨૦૨૮ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ફૂટબોલ, બેઝબોલ/સોફ્ટબોલ, સ્ક્વોશ અને લેક્રોસનો કરાયો સમાવેશ





ક્રિકેટને ૧૨૮ વર્ષ બાદ ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ ગતરોજ તેના ૧૪૧મા સત્રમાં ૨૦૨૮ લોસ એન્જલસ ઓલિમ્પિકમાં દેશની સૌથી લોકપ્રિય રમતનો સમાવેશ કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી. ૨૦૨૮ ઓલિમ્પિકમાં ક્રિકેટ ટીટ્વેંટી ફોર્મેટમાં રમાશે, જેમાં પુરુષ અને મહિલા બંને ટીમો ભાગ લેશે. ક્રિકેટ ઉપરાંત, આઈઓસી પ્રમુખ થોમસની બેચે ૨૦૨૮ ઓલિમ્પિકમાં ફ્લેગ ફૂટબોલ, બેઝબોલ/સોફ્ટબોલ, સ્ક્વોશ અને લેક્રોસનો સમાવેશ કરવાની પણ જાહેરાત કરી છે.


ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ થયા બાદ ભારતનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ચર્ચામાં છે. એલએ ૨૮ના સ્પોર્ટિંગ ડિરેક્ટર નિકોલ કેમ્પ્રીઆનીએ કોહલીની પ્રશંસા કરી હતી. ઇટાલીના ભૂતપૂર્વ ઓલિમ્પિક વિજેતા શૂટર નિકોલ કેમ્પ્રીઆનીએ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવા માટે આઈઓસી પાસે લોબિંગ કરતી વખતે કોહલીની લોકપ્રિયતાનો ઉલ્લેખ કર્યો હતો. આટલું જ નહીં આઈઓસી ના અધિકારી કેમ્પ્રીઆનીએ કહ્યું કે અમે વિશ્વની સૌથી લોકપ્રિય રમતનું સ્વાગત કરવા માટે રોમાંચિત છીએ, જેના વિશ્વભરમાં અંદાજે ૨૫૦ કરોડ ચાહકો છે. કેમ્પરિયાનીએ કહ્યું કે મારો મિત્ર વિરાટ કોહલી વિશ્વનો ત્રીજો સૌથી લોકપ્રિય ખેલાડી છે. સોશિયલ મીડિયા પર તેના ૩૪ કરોડ ફોલોઅર્સ છે, જે લી બ્રોન જેમ્સ, ટોમ બ્રેડી, ટાઈગર વુડ્સ જેવા ખેલાડીઓના કુલ ફોલોઅર્સ કરતાં પણ વધુ છે.


લોસ એન્જલસ ૨૦૨૮ ઓર્ગેનાઈઝિંગ કમિટી દ્વારા ઓલિમ્પિક્સમાં આ પાંચ રમતોનો સમાવેશ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આઈઓસી એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ સોમવારે મતદાન યોજાયું હતું. આઈઓસીના ૯૯ સભ્યોમાંથી માત્ર બે સભ્યોએ આ રમતોના સમાવેશની વિરુદ્ધમાં મત આપ્યો હતો. અગાઉ ૧૯૦૦ પેરિસ ઓલિમ્પિકમાં ક્રિકેટ રમાઇ હતી. જ્યાં ઈંગ્લેન્ડે ફ્રાન્સને હરાવીને ગોલ્ડ જીત્યો હતો.




પ્રસારણ અધિકારોની કિંમતમાં વધારો થશે

રિપોર્ટ અનુસાર, ૨૦૨૪ની પેરિસ ઓલિમ્પિકના પ્રસારણ અધિકારો વધીને ૧૫૮ કરોડ રૂપિયા થઈ ગયા છે. જો ક્રિકેટને સામેલ કરવામાં આવે તો ૨૦૨૮ ઓલિમ્પિકના પ્રસારણ અધિકારો ૧૫૨૦ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું, “ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ આ રમત માટે નવા દરવાજા ખોલવા જઈ રહ્યો છે. જેનાથી વૈશ્વિક બજારમાં સારા દેખાવની તક મળશે. આ નિર્ણય અમને માત્ર નોંધપાત્ર નાણાકીય લાભ જ નહીં આપે, તે આપણા દેશના રમતના ઇકોસિસ્ટમ પર પણ ખાસ્સી અસર કરશે.”





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application