રાજકોટમાં છ માસમાં 128.27 કરોડની પાવર ચોરી પકડાઇ

  • October 23, 2023 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં વીજળીનું વિતરણ કરતી સરકાર પ્રેરિત 4 વીજ કંપ્નીઓમાં આખા સૌરાષ્ટ્ર કચ્છને આવરી લેતી સૌથી મોટી પશ્ચિમ ગુજરાત વીજ કંપ્ની (પીજીવીસીએલ) લિમિટેડનો વીજ લોસ પણ સૌથી વધુ હોય કંપ્નીની વિજિલન્સ ટુકડીઓ દ્વારા સતત ચેકિંગ કરવામાં કરોડો રૂપિયાની પાવર ચોરી પકડાય છે છતા વીજચોરી બંધ કે ઓછી થતી નથી. જેમાં ગત એપ્રિલથી સપ્ટેમ્બર 2023 ના છ માસમાં આખા પીજીવીસીએલમાં કુલ 42,505 સ્થળેથી રૂપિયા 128.27 કરોડની પાવર ચોરી પકડાઈ જવા પામી હતી.


પીજીવીસીએલ હેઠળ છેક કચ્છથી શરૂ કરી ભાવનગર સુધીનો વિશાળ દરિયાકાંઠો, જંગલો, ગામડાંમાં ખેતીવાડી, શહેરોના સંવેદનશીલ રહેણાક વિસ્તારો અને ઔદ્યોગિક એકમો, હાઇવે રિસોર્ટ, હોટલો આવેલા છે.
ત્યારે પીજીવીસીએલનો પાવર લોસ ઘટાડવા કોર્પોરેટ ઓફિસની અને સર્કલની વિજિલન્સ ટુકડીઓ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં આવેલા જુદાં જુદાં એક ડઝન સર્કલના સબડિવિઝનોમાં વારાફરતી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તેમાં એપ્રિલથી સપ્ટેમ્બર 2023 એમ 6 માસમાં સૌરાષ્ટ્ર કચ્છમાં વીજ ચેકિંગની કામગીરી દરમ્યાન આશરે કુલ રૂ. 128.27 કરોડની પાવર ચોરી પકડી પાડવામાં આવી હતી. જેમાં જે તે સબ ડિવિઝનો હેઠળની સ્થાનિક પોલીસ ઉપરાંત એક્સ આર્મી મેન, સિક્યુરિટી સ્ટાફ તેમજ વિડીયોગ્રાફરના બંદોબસ્ત વચ્ચે વિવિધ ટુકડીઓ દ્વારા વીજ ચેકિંગ દરમ્યાન કુલ 237556 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવતા, જેમાંથી કુલ 42505 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ જવા પામી હતી. જોકે દર માસે ચેકિંગ થાય છે અને વીજ ચોરી ઝડપાતી રહે છે. વીજ કંપ્નીઓની માફક પીજીવીસીએલનો પાવર લોસ પણ સિંગલ ડિઝિટમાં લાવવા મથામણ થઈ રહી છે.

રાજયમાં પીજીવીસીએલમાં સૌથી વધુ વીજલોસ
રાજ્યની પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ અને યુજીવીસીએલ એમ ચારેય વીજ વિતરણ કંપ્નીઓમાં પીજીવીસીએલ વીજ લોસ ઓગષ્ટ 2023 મુજબ બે આંકડામાં 14% થી વધુ હતો, જ્યારે અન્ય ત્રણેય વીજ કંપ્નીઓનો વીજલોસ 10% થી નીચો એટલે કે સિંગલ ડિઝિટમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application