આવતીકાલે વધુ 119 ભારતીય અમેરિકાથી ડિપોર્ટ થશે, 8 ગુજરાતી, પંજાબના સૌથી વધુ 67 લોકો

  • February 14, 2025 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને બે ખાસ ફ્લાઇટ્સ અમેરિકાથી એક પછી એક ભારત આવી રહી છે. પહેલી ફ્લાઇટ 15 ફેબ્રુઆરીએ ભારત પહોંચશે, જ્યારે બીજી ફ્લાઇટ 16 ફેબ્રુઆરીએ પહોંચશે. શનિવારે આવતી ફ્લાઇટમાં 8 ગુજરાતીનો સમાવેશ થયો છે. ફ્લાઇટ્સ 15 અને 16 ફેબ્રુઆરીના રોજ અમૃતસર એરપોર્ટ પર ઊતરશે. મળતી માહિતી પ્રમાણે, અમેરિકાએ વધુ 119 ભારતીયોને દેશનિકાલ કર્યા છે. આમાંથી મોટાભાગના પંજાબના હોવાનું કહેવાય છે. અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલા 119 લોકોમાંથી 67 લોકો પંજાબના, હરિયાણાના 33 અને ગુજરાતના 8 નાગરિકોનો સમાવેશ થાય છે.


16 ફેબ્રુઆરીએ અમેરિકાથી ભારત આવતી ફ્લાઇટ પણ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે. સ્થાનિક વહીવટીતંત્ર અને એરપોર્ટ ઓથોરિટીએ આ ખાસ વિમાનો માટે વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે. આ અંગેની લેખિત માહિતી વિદેશ મંત્રાલય દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આપવામાં આવી છે.


ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર પીએમ મોદીએ શું કહ્યું?
અમેરિકાના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા તેમના નાગરિકોને સ્વીકારશે. વડાપ્રધાન મોદીએ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના મુદ્દા પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો અને કહ્યું હતું કે, આ ફક્ત ભારતનો મુદ્દો નથી, આ એક વૈશ્વિક સમસ્યા છે. જે લોકો અન્ય દેશોમાં ગેરકાયદે રીતે રહે છે તેમને ત્યાં રહેવાનો કોઈ કાયદેસર અધિકાર નથી. જ્યાં સુધી ભારત અને અમેરિકાનો સવાલ છે, જો કોઈ વ્યક્તિની ભારતીય નાગરિકતા પુષ્ટિ થાય છે અને તે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે, તો ભારત તેમને પાછા લેવા તૈયાર છે.


5 ફેબ્રુઆરીએ પહેલી ફ્લાઇટ આવી હતી
આ પહેલા 5 ફેબ્રુઆરીએ એક યુએસ લશ્કરી વિમાન 104 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને ભારત પહોંચ્યું હતું. ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનો પહેલો જથ્થો અમેરિકન C-147 વિમાન દ્વારા અમૃતસર પહોંચ્યો. આ વિમાનમાં કુલ 104 ભારતીય હતા, જેમાં 79 પુરુષો અને 25 મહિલા હતી. આ ભારતીયોમાંથી 33 ગુજરાતના હતા.


અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોને મેક્સિકો-અમેરિકા સરહદ પરથી પકડવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ કાયદેસર રીતે ભારત છોડીને ગયા હતા પરંતુ ડંકી રૂટ દ્વારા અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.


હાથ-પગ સાંકળોથી બાંધી ભારતીયોને પ્લેનમાં બેસાડ્યા
​​​​​​​અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયને લઈને એક અમેરિકન લશ્કરી C-17 ગ્લોબમાસ્ટર વિમાન 5 ફેબ્રુઆરીના રોજ પંજાબના અમૃતસર એરપોર્ટ પર ઊતર્યું હતું. આ લોકોના પગમાં સાંકળો બાંધવામાં આવી હતી, જ્યારે તેમના હાથમાં હથકડી પહેરાવવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application