ગુજરાતનો દરિયાઈ માર્ગ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ માટે ટ્રાન્ઝિટ પોઇન્ટ બની રહ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) અને ભારતીય કોસ્ટગાર્ડે કચ્છના દરિયામાં એક અત્યંત ગુપ્ત અને સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મુંદ્રા પોર્ટ તરફ આવી રહેલા એક જહાજમાંથી આશરે ૧૧૮૦ કરોડ રૂપિયાની કિંમતનું ૧૧૮ કિલો હાઈ-ક્વોલિટી કોકેઈન ઝડપી પાડ્યું છે. કરોડો રૂપિયાના આ નશીલા પદાર્થના નેટવર્કનો પર્દાફાશ કરીને સુરક્ષા એજન્સીઓએ દેશવ્યાપી ડ્રગ રેકેટને નિષ્ફળ બનાવ્યું છે. બ્રાઝિલથી લવાયેલો આ નશીલો જથ્થો દિલ્હી મોકલવાનો હોવાનો ખુલાસો થયો છે.
મળતી વિગતો અનુસાર, સુરક્ષા એજન્સીઓને ચોક્કસ આંતરરાષ્ટ્રીય બાતમી મળી હતી કે દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ દેશમાંથી ડ્રગ્સનો એક મોટો જથ્થો ભારત તરફ રવાના કરવામાં આવ્યો છે. આ જથ્થો જહાજ મારફતે કચ્છના દરિયા સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી તેને સ્થાનિક નાની બોટોની મદદથી દરિયાઈ કાંઠા તરફ લાવીને ભારતમાં ઘુસાડવાની પેરવી કરવામાં આવી રહી હતી. જોકે, આ આયોજન પૂરું થાય તે પહેલા જ એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમોએ દરિયાની અધવચ્ચે જ આ જહાજ પર ત્રાટકીને કોકેઈનનો આ જથ્થો જપ્ત કરી લીધો હતો.
જ્યારે એટીએસની ટીમે જહાજ પર દરોડો પાડ્યો ત્યારે ડ્રગ્સના આ જથ્થા સાથે બે વ્યક્તિઓ હાજર હતા. તેમાંથી જુમ્મા નાસીર ઓમાર નામના એક આરોપીને સ્થળ પરથી જ દબોચી લેવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક શખ્સ પોલીસને જોઈને ધરપકડના ડરથી દરિયાના ઊંડા પાણીમાં કૂદી પડ્યો હતો. હાલ દરિયામાં કૂદી પડેલા આ શખ્સની શોધખોળ માટે વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઝડપાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આ કોકેઈન દેશની રાજધાની દિલ્હીના દ્વારકા વિસ્તારમાં સપ્લાય કરવાનું હતું. જેથી એટીએસે તાત્કાલિક દિલ્હીમાં દરોડો પાડીને ત્યાં સ્થાયી થયેલા બે વિદેશી નાગરિકો ક્લેવિન ચુકવામા અને બ્યારુહંગા જેમ્સને પણ ઝડપી પાડ્યા છે.
પોલીસે આરોપીઓની તલાશી લેતા તેમની પાસેથી એક પ્રતિબંધિત સેટેલાઈટ ફોન પણ મળી આવ્યો હતો જે કબજે કર્યો હતો. ડ્રગ્સ માફિયાઓ એજન્સીઓની નજરમાંથી બચવા અને દરિયાની વચ્ચે નેટવર્ક વગર વાતચીત કરવા માટે આ સેટેલાઈટ ફોનનો ઉપયોગ કરતા હોવાનું ખુલ્યું છે. હાલ આ ફોનના કોલ ડિટેઇલ્સ અને ડેટા રિકવર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેથી કરીને ભારતમાં આ ડ્રગ્સ નેટવર્કના અન્ય કયા કયા મુખ્ય સુત્રધારો સામેલ છે તેનો પર્દાફાશ કરી શકાય.
ગુજરાત એટીએસને 150 કિલો ડ્રગ્સ હોવાની માહિતી મળી હતી પરંતુ 118 કિલો જ ડ્રગ્સ મળ્યું છે જેથી બાકીના ડ્રગ્સના અન્ય પેકેટો દરિયામાં ફેંક્યા હોવાની શક્યતા છે જેથી એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન હરામીનાળા કે સરહદી ક્રીક વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ડ્રગ્સના 11 પેકેટ જપ્ત કર્યા હતા. કચ્છના દરિયાકાંઠેથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત રહેતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે.
છેલ્લા ઘણા સમયથી કચ્છના દરિયાકાંઠે અને ક્રીક સેક્ટરમાંથી સતત ચરસ અને હેરોઈન જેવા માદક પદાર્થોના પેકેટો મળી રહ્યા છે, જેને પગલે તમામ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે. પાકિસ્તાન તરફથી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા માફિયાઓ ભારતમાં આ જથ્થો પધરાવવા ફિરાકમાં હોય છે. આ ઘટના બાદ બીએસએફ, કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક મરીન પોલીસે સમગ્ર દરિયાઈ પટ્ટી પર રાઉન્ડ ધ ક્લોક સઘન સર્ચ ઓપરેશન અને પેટ્રોલિંગ વધુ તેજ કરી દીધું છે.