રાજકોટ શહેર જિલ્લામાં એક મહિનામાં ૧૦,૬૦૦ મિલકતોના સોદા: સરકારને ૫૭ કરોડની આવક

  • October 05, 2023 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


છેલ્લા એક મહિનામાં રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી અલગ અલગ ૧૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં મિલકત વેચાણને લગતા ૧૦,૬૦૦ સોદા થયા છે અને તેના કારણે સરકારી તંત્રને સ્ટેમ્પ ડુટી તથા ફી પેટે ૫૭.૧૬ કરોડની આવક થવા પામી છે.જમીન અને મિલકતોના વેચાણના મામલે રાજકોટ જિલ્લામાં રાજકોટ શહેર પછી બીજા સ્થાને ગોંડલ આગળ રહ્યું છે. છેલ્લા એક મહિનામાં જ ગોંડલમાં મિલકત ખરીદ વેચાણને લગતા ૧૦૭૯ દસ્તાવેજો સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા છે.


રાજકોટ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ગોંડલમાં કુલ ૧૦૭૯ દસ્તાવેજો થયા છે. તેના કારણે સરકારી તંત્રને ફી પેટે ૬૬.૫૭ લાખ સ્ટેમ્પ ડુટી પેટે ૩૯.૭૪ લાખ મળીને કુલ ૪.૬૪ કરોડની આવક થઈ છે.ગોંડલ પછી બીજા ક્રમે જેતપુર આવે છે અને ત્યાં એક મહિનામાં ૫૫૦ દસ્તાવેજોની નોંધણી થઈ છે. તંત્રને સ્ટેમ્પ ડુટી અને ફી પેટે એક કરોડ ૬૦ લાખની આવક થઈ છે.
ઉપલેટા અને ધોરાજી તાલુકામાં મિલકતની લે વેચના દસ્તાવેજોની નોંધણીનું પ્રમાણ અન્ય તાલુકાઓની સરખામણી ઘણું ઓછું રહ્યું છે ઉપલેટામાં માત્ર ૨૯૮ અને ધોરાજીમાં ૨૬૪ દસ્તાવેજો થયા છે. આ બંને તાલુકાની સ્ટેમ્પ ડુટી અને ફી પેટે ૧.૯૦ કરોડની આવક થઈ છે. ઉપલેટા અને ધોરાજી જેવું જ ચિત્ર જસદણમાં જોવા મળે છે. જસદણમાં છેલ્લા એક મહિનામાં માત્ર ૪૨૭ દસ્તાવેજો નોંધાયા છે અને સબ રજીસ્ટાર કચેરીને ૧.૪૬ કરોડની આવક થઈ છે.


રાજકોટ જિલ્લામાં દસ્તાવેજની નોંધણીમાં સૌથી નીચે જામકંડોરણા આવે છે. અહીં એક મહિનામાં માત્ર ૭૧ દસ્તાવેજ નોંધાયા છે અને તંત્રને માત્ર ૧૫ લાખની આવક થઈ છે. પડધરીમાં ૨૭૩ કોટડા સાંગાણીમાં ૪૦૦ લોધિકામાં ૭૩૦ અને વિછીયામાં ૮૩ દસ્તાવેજો નોંધાયા છે.રાજકોટ શહેરની વાત કરીએ તો સબ રજીસ્ટાર કચેરી ત્રણ રતનપરમાં ૬૯૩ રૈયામાં ૮૫૮ મોરબી રોડ પરની કચેરીમાં ૧૨૭૫ મૌવામાં ૫૯૨ મવડીમાં ૯૨૪ કોઠારીયામાં ૫૭૩ અને રાજકોટ ગ્રામ્યમાં ૭૧૯ દસ્તાવેજો નોંધાયા છે. સમગ્ર જિલ્લામાં ૧૦૬૦૦ દસ્તાવેજો નોંધાયા છે અને તંત્રને ફી તથા સ્ટેપ ડુટી પેટે ૫૭ કરોડને આવક થઈ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application