સીલિંગના વિરોધમાં 1000 હોટેલ-રેસ્ટોરન્ટ બંધ

  • July 10, 2024 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં કાલાવડ રોડ ઉપરના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા ભયાનક અગ્નિકાંડમાં બાળકો સહિત 27 નિર્દોષ નાગરિકો બળીને ભડથું થઇ ગયા બાદ હાઇકોર્ટની ફટકાર અને સરકારના આદેશથી રાજકોટ મહાપાલિકા અને રૂડા તંત્ર દ્વારા સમગ્ર શહેરમાં પબ્લિક ગેધરિંગ પ્લેસની વ્યાખ્યા હેઠળ આવતા એકમોમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશનની ચેકિંગ ડ્રાઇવ હાથ ધરાઇ હતી જે અંતર્ગત હોટેલ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ અને પાર્ટી પ્લોટ્સ, રિસોટ્ર્સ વિગેરેને કોઇ પણ પ્રકારની મુદ્દત કે નોટિસ આપ્યા વિના આડેધડ સીલ કરાતા રોષ ભભુક્યો છે. દરમિયાન આજે ફેડરેશન દ્વારા તમામ હોટેલ-રેસ્ટોરન્ટને સ્વયંભૂ બંધ પાળવાનું એલાન જાહેર કરાતા રાજકોટ શહેરના 1000થી વધુ હોટેલ રેસ્ટોરન્ટ સજ્જડ બંધ રહ્યા હતા.

વિશેષમાં રાજકોટ હોટેલ-રેસ્ટોરન્ટ ફેડરેશનના પ્રમુખ મેહુલભાઇ પટેલએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે શહેરમાં મોટાભાગના હોટેલ- રેસ્ટોરન્ટ બંધ રહ્યા હતા. ફેડરેશન દ્વારા આજે સ્વયંભૂ બંધ પાળવા અપીલ કરાઈ હતી જેને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો, અંદાજે 1000 જેટલા હોટેલ રેસ્ટોરન્ટ બંધ રહ્યા હતા.તેમણે ઉમેર્યું હતું કે મહાનગરપાલિકા તંત્ર દ્વારા ફાયર એનઓસીના મામલે ગમે ત્યારે કોઈ પણ હોટેલ- રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરી નોટિસ કે મુદ્દત આપ્યા વિના સીલ કરવામાં આવે છે જેની સામે ફેડરેશનનો સખત વિરોધ છે અને તે માટે આજે બંધ પાળવામાં આવ્યો હતો. આજે સાંજે ચાર કલાકે શહેરના તમામ હોટેલ રેસ્ટોરન્ટના માલિકો અને સંચાલકો વિશાળ સંખ્યામાં જિલ્લા પંચાયત ચોક ખાતે એકત્રિત થશે અને ત્યાંથી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સુધી રેલી સ્વરૂપે જઇને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરનાર છે.

જ્યારે શહેરના વિવિધ હોટેલ-રેસ્ટોરન્ટના અન્ય સંચાલકોએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં વ્યથા વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે મહાનગરપાલિકાના તંત્રવાહકો ફાયર સેફટી મામલે જે કંઈ આદેશ કરે તે મુજબના સાધનો વસાવી સુવિધા નિમર્ણિ કરવા તૈયાર છીએ પરંતુ તે માટે સમય તો આપવો જોઈએને ? રાતોરાત બધું કઇ રીતે થઈ શકે ? અનેક હોટેલ રેસ્ટોરન્ટ સીલ થયા બાદ પખવાડિયાથી  કે મહિનાથી બંધ છે તેના વ્યાપારનું શું ? આર્થિક નુકસાન કોણ ભરપાઈ કરશે ? તેના સ્ટાફના પગારનું શું ? વર્ષોથી કાર્યરત અમુક હોટેલ રેસ્ટોરન્ટને બીયુ પરમિશન મામલે પણ સીલ કરાઇ છે ત્યારે તેમને પણ સમય આપવો પડે રાતોરાત કઈ રીતે રી-ક્ધસ્ટ્રકશન થઇ શકે ? ઇમ્પેક્ટ ફીની સ્કિમ હેઠળ અરજી કરે તો તે માટે પણ મુદ્દત તો આપવી પડે ને ? સીલ થવાથી ગ્રાહકો પણ પરેશાન થઇ રહ્યા છે અને હોટેલ રેસ્ટોરન્ટની પ્રતિષ્ઠાને પણ નુકસાન થઇ રહ્યું છે. તદઉપરાંત મિલકત સીલ કર્યા પછી શું કરવું તેનું માર્ગદર્શન આપ્નાર કોઈ નથી ! મહાનગરપાલિકા કચેરીના અધિકારીઓ અને ઇજનેરો ઉડાઉ જવાબ આપી રહ્યા છે. રાજકોટમાં હાલના સંજોગોમાં આર્કિટેક્ટ્સ અને ક્ધસલ્ટિંગ સિવિલ એન્જીનિયર્સ પણ મળતા નથી તેમજ મિલકત સીલ થઇ હોય તેવા કેસમાં મોટી રકમની ફી ચૂકવવા તૈયારી હોવા છતાં કોઇ આર્કિટેક્ટ્સ કે એન્જીનિયર્સ કામ કરવા તૈયાર થતા નથી. ફાયર સેફટીના સાધનો મળતા નથી અને મળે તો ફિટિંગ કરનાર સર્વિસ પ્રોવાઇડર્સ મળતા નથી. આવા સંજોગોમાં હોટેલ રેસ્ટોરન્ટ ઉદ્યોગ ભારે મુશ્કેલીમાં મુકાયો હોય તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા મહાપાલિકામાં રજુઆત કરવામાં આવનાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application