રાજકોટમાં એસટી બસના મુસાફરો છીનવતા ૧૦૦ ખાનગી વાહન ડિટેઇન

  • February 17, 2025 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેરના એસટી બસ સ્ટોપ ઉપરથી નો-પાર્કિંગ ઝોનનો ભંગ કરીને એસટી બસની રાહ જોઇ રહેલા મુસાફરોને ખેંચી જતા ખાનગી વાહન ચાલકો સામે ડ્રાઇવ હાથ ધરીને તાજેતરમાં ૧૦૦ જેટલા ખાનગી વાહનો ડિટેઇન કરી મેમો ફટકારી કુલ રૂ.૩,૮૯,૫૭૪નો દંડ વસુલવામાં આવતા ખાનગી વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝનની ટીમ દ્વારા નો-પાર્કિંગ ઝોન અને સીઓ ચેકિંગ ડ્રાઇવ યોજી રાજકોટ શહેરના મુખ્ય ઢેબર રોડ સેન્ટ્રલ એસટી બસપોર્ટ ઉપરાંત રાજકોટ શહેરમાં પ્રવેશવાના એન્ટ્રી પોઇન્ટ્સ જેમાં રાજકોટ- અમદાવાદ હાઇવે ઉપર ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ- જામનગર હાઇવે ઉપર માધાપર ચોકડી, રાજકોટ-મોરબી હાઇવે ઉપર બેડી ચોકડી, રાજકોટ-જૂનાગઢ હાઇવે ઉપર ગોંડલ રોડ ચોકડી, રાજકોટ-કાલાવડ સ્ટેટ હાઇવે ઉપર કેકેવી ચોક સહિતના વિસ્તારો તેમજ રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર આજીડેમ ચોકડી સહિતના છ મુખ્ય એન્ટ્રી પોઇન્ટ્સ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં અપાયેલા એસટી બસ સ્ટોપ ઉપર એસટી બસની રાહ જોઇ ઉભેલા મુસાફરો છીનવી જતા ખાનગી વાહન ચાલકો સામે ડ્રાઇવ હાથ ધરી ઇકો કાર, તુફાન જીપ, સિટી રાઇડ, મિની બસ, ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓની લકઝરી બસ સહિતના વાહનો જપ્ત કરી લઇ મેમો ફટકારવામાં આવ્યા હતા તેમજ કુલ રૂ.૩,૮૯,૫૭૪નો દંડ વસુલવામાં આવ્યો હતો. ઉપરોક્ત કાર્યવાહીમાં રાજકોટ એસટી ડિવિઝનની ટીમ સાથે ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓની ટીમ પણ જોડાઇ હતી. તેમણે ઉમેર્યું હતું કે હાલ તો આ ડ્રાઇવ ફક્ત રાજકોટ શહેર અને ભાગોળેના વિસ્તારોમાં યોજાઇ હતી પરંતુ આગામી દિવસોમાં રાજકોટ એસટી ડિવિઝન હેઠળના તમામ નવ ડેપો જેમાં રાજકોટ એસટી સેન્ટ્રલ બસપોર્ટ, ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના ડેપોમાં એક સાથે સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઇવ યોજવામાં આવશે.

જુનાગઢ મહાશિવરાત્રીના મેળા માટે રાજકોટથી ૩૦ એક્સ્ટ્રા બસ દોડશે

જુનાગઢની ગિરનાર તળેટીમાં યોજાતા મહાશિવરાત્રીના મેળામાં રાજ્યભરમાંથી ભાવિકો આવતા હોય છે ત્યારે પ્રતિ વર્ષની જેમ ચાલું વર્ષે પણ રાજકોટ એસટી ડિવિઝન દ્વારા જૂનાગઢના મેળા માટે ૩૦ એસટી બસો દોડાવવામાં આવશે તેમ વિભાગીય નિયામકે જણાવ્યું હતું. જ્યારે રિટર્ન ટ્રાફિક માટે જુનાગઢ ડિવિઝન દ્વારા એક્સ્ટ્રા બસો મુકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application