દિવાળી ટાણે જામજોધપુરમાં ૧૦૦ કિલો નકલી ઘી ઝડપાતા ખળભળાટ

  • November 09, 2023 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉમિયાજી ડેરી નામની દુકાન-મકાનમાં સ્થાનીક પોલીસ ત્રાટકી : ભેળસેળ ઘી સહિતનો ૩૫ હજારનો મુદામાલ કબ્જે : નમુના લઇ લેબમાં મોકલાયા : ભેળસેળીયા તત્વોની હવે ખેર નથી

જામનગર સહિત સૌરાષ્ટ્રમાં નકલી ખાદ્ય ચિજવસ્તુઓનું બેફામ વેચાણ કરવામાં આવી રહયું છે અને ભેળસેળીયા તત્વો લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહયા છે આ પ્રકારની થોકબંધ ફરીયાદો સમયાંતરે ઉઠતી રહે છે, તાજેતરમાં જામનગરમાંથી નકલી ઘી નો જથ્થો ઝડપાયાની સ્યાહી સુકાઇ નથી ત્યાં જામજોધપુર પોલીસે સધન તપાસ કરીને ડેરી અને દુકાનમાંથી આશરે ૧૦૦ કીલો ઘી નો શંકાસ્પદ જથ્થો પકડી લેતા ખળભળાટ મચી ગયો છે અને જરુરી નમુના લઇ લેબમાં મોકલી આપવા કાર્યવાહી હાથ ધરતા ભેળસેળીયા તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ સુચના કરેલ હોય કે ઉમક ઇસમો હાલમાં ચાલી રહેલ તહેવારના સમયે પોતાના આર્થિક લાભ લેવાના ઇરાદે ભેળસેળ યુકત હલકી ગુણવત્તાની લોકોના સવાસ્થયને હાનીકારક ભેળસેળયુકત ખાણીપીણીની ચિજવસ્તુ વેચી રહેલ છે, અને આવા ઇસમોને શોધી કાઢી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય.
જે મુજબ ગ્રામ્ય ડીવાયએસપી ડી.પી. વાઘેલા દ્વારા આવા ભેળસેળીયા તત્વોને શોધી કાઢવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જામજોધપુર પી.આઇ. વાય જે. વાઘેલાને સુચના કરી હતી, જે આધારે સર્વેલન્સ ટીમને ભેળસેળ યુકત ખાણીપીણીની ચીજ વસ્તુઓ શોધી કાઢવા જણાવ્યુ હતું.
તા. ૯ના રોજ જામજોધપુર પોલીસની ટીમના હેડ કોન્સ પ્રજ્ઞરાજસિંહ જાડેજા, પો.કોન્સ. મહેન્દ્રસિંહ જાડેજા તથા દીલીપસિંહ જાડેજા, અશોકભાઇ ગાગીયા પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન અંગત બાતમીદારોથી માહીતી મળેલ કે બહુચરાજી મંદીર પાસે આવેલ ઉમીયાજી ડેરી નામન દુકાનના સંચાલક બીપીન ગોવિંદ ગોહેલ પોતાની ડેરી ખાતે તેમજ તેમના રહેણાંક મકાન ખાતે શંકાસ્પદ ભેળસેળ યુકત ઘી નો જથ્થો રાખેલ છે અને તેનું વેચાણ કરે છે.
જે હકીકત આધારે ફુડ એન્ડ ફુટ સેફટી ઓફીસરને સાથે રાખી તપાસ કરતા ડેરી તેમજ રહેણાંક મકાન ખાતેથ શંકાસ્પદ ભેળસેળયુકત ઘી નો જથ્થો આશરે ૧૦૦ કીલો જેની બજાર કિ. ૩૫.૦૦૦ મળી આવેલ હોય જેનું ફુડ સેફટી ઓફીસર એન.એમ. પરમાર દ્વારા ફુડ સેફટીના નિયમ મુજબ સેમ્પલીંગ કરી નમુના લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
જામનગ સહિત જીલ્લામાં ભેળસેળ, ડુપ્લીકેટ ખાદ્ય ચિજવસ્તુઓનું વેચાણ થઇ રહયું છે એવી ફરીયાદો ઉઠતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી, અગાઉ જામનગર એસઓજીએ નકલી દુધ, નકલી ઘી સહિતનો મુદામાલ કબ્જે કયો હતો, અગાઉના દરોડા બાદ તાજેતરમાં તહેવારોમાં ભેળસેળ કરનારા તત્વો દ્વારા મોટા પાયે મિશ્રણ કરવામાં આવી રહયું છે અને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઇ રહયા છે, જે ફરીયાદના આધારે જામનગર સહિત રાજયમાં આવા તત્વો પર પગલા લેવા આદેશો છુટતા જુદા જુદા સ્થળોએ નકલી માલ અંગે સધન તપાસ ચાલી રહી છે દરમ્યાનમાં જામજોધપુર પંકથમાં ભેળસેળ યુકત ઘી નો મોટો જથ્થો પોલીસે કબ્જે કર્યો છે.
લોકોના પેટમાં નકલી ખાદ્ય પદાર્થો પધરાવનારા તત્વો સામે કડક પગલા લેવામાં આવે એ જરુરી છે, કારણ કે આવા ભેળસેળીયા તત્વો રીતસરની લોકોની જીંદગી સાથે રમત રમી રહયા છે, દરોડાના પગલે ભેળસેળ કરનારાઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. જામનગર જીલ્લાના અન્ય વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા લગત ટુકડીને સાથે રાખીને આ દિશામાં સધન તપાસ આદરવામાં આવી છે જેના પગલે દિવાળીના તહેવારોમાં ખાદ્ય પદાર્થો વેચનારાઓ સામે આગામી દિવસોમાં વધુ ગાળીયો કસવામાં આવશે અને કડક પગલા લેવાશે, હાલ હાનીકારક ખાણીપીણીની ચિજવસ્તુઓ વેચનારાઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application