જામનગર-દ્વારકામાં ૧ થી ૬ ઇંચ તોફાની વરસાદ

  • June 16, 2023 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં ચાર ઈંચ વરસાદ થયાં બાદ આજ સવારે વધુ દોઢ, દ્વારકામાં સાડા ચાર, જામજોધપુરમાં ચાર, કલ્યાણપુરમાં ત્રણ, જામનગરમાં અઢી, ધ્રોલ-જોડિયા અને ભાણવડમાં દોઢ-દોઢ ઈંચ: હાલારમાં અનેક વૃક્ષો તૂટી પડ્યાં: ઉમિયા સાગર ડેમ છલોછલ

બિપોરજોય વાવાઝોડાના પગલે જામનગર અને દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ ઓળઘોળ થઈને છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એકથી સાડા પાંચ ઈંચ વરસાદ વરસાવ્યો છે, ગઈકાલે ખંભાળિયામાં ચાર ઈંચ વરસાદ થયાં બાદ આજ વધુ દોઢ ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે દ્વારકામાં પણ આજ સવારે એક ઈંચ વરસાદ પડતાં સાડા ચાર ઈંચ, જામજોધપુરમાં ચાર, કલ્યાણપુરમાં ત્રણ ઈંચ, જામનગરમાં અઢી, ભાણવડમાં બે, અને જોડિયા-ધ્રોલ અને ભાણવડમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ લખાય છે ત્યારે પણ હાલારમાં ઘનઘોર વાદળ છવાયા છે અને ગમે ત્યારે વધુ વરસાદ તૂટી પડે તેવા સંકેત મળે છ.
ખંભાળિયાથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઈકાલે આખો દી’ ૯૦ કિમીની ઝડપે પવન ફૂંકાયો, ભારે વરસાદથી લોકો પરેશાન થયાં, વિજપોલ તૂટી પડ્યાં હતાં તેમજ હૉર્ડિંગ્સ-બૉર્ડ અને પતરાં વળી ગયાં હતાં. ખંભાળિયાના આજુબાજુના ગામડે પણ ભારે વરસાદ છે. ક્ધટ્રોલરુમના જણાવ્યા મુજબ સવારે ૬ સુધી ખંભાળિયામાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો પરંતુ વાદળો ઘેરાતાં સવારે ૬ થી ૮ દરમિયાન વધુ દોઢ ઈંચ વરસાદ પડતાં કુલ વરસાદ સાડા પાંચ ઈંચ પડ્યો છે. ખંભાળિયાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ફાયર દોડતું રહ્યું છે.
જિલ્લા કલેકટર અશોક શાહ, ડીએસપી નિતેશ પાંડેય, એસડીએમ પાર્થ કોટડિયા સહિતની ટીમ સતત ખંભાળિયા-દ્વારકામાં ફરી હતી. અનેકને રેસ્કયુ કરી બચાવાયા છે, ૧૦૦થી વધુ ઝાડ ખંભાળિયા-દ્વારાકામાં તૂટી પડ્યાં છે. આજુબાજુના ગામડાઓમાં પણ ત્રણથી ચાર ઈંચ વરસાદ થયો છે.
દ્વારકાથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ર૪ કલાક દરમિયાન સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યા બાદ સવારે ૬ થી ૮ દરમિયાન વધુ એક ઈંચ વરસાદ પડતાં કુલ સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. આજુબાજુના મીઠાપુર, સૂરજકરાડી, ટૂંપણી, પાછતર સહિતના કેટલાંક ગામોમાં એકથી સાડા ચાર ઈંચ વરસાદ થયો છે. આ લખાય છે ત્યારે કેટલાંક ગામડાઓમાં વરસાદ પડી રહ્યો છે.
જામજોધપુરથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઈકાલે ભારે પવન સાથે ચાર ઈંચ વરસાદ થયો છે, ગામમાં અંધારપટ છવાયો છે. આજુબાજુના ગામડાઓમાં પણ ત્રણથી ચાર ઈંચ વરસાદ પડ્યો છે. ઉમિયા સાગર ડેમ ઉપરવાસના ભારે વરસાદના કારણે છલોછલ ભરાઈ જતાં આજુબાજુના ગામડાઓમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતાં લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
કલ્યાણપુરથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઈકાલે સવા ત્રણ ઈંચ વરસાદ પડ્યાં બાદ આજ વધુ અડધો ઈંચ વરસાદ પડ્યો છે. આજુબાજુના ગામડાઓમાં પણ બે થી ત્રણ ઈંચ વરસાદ થયો છે. મોટા ભાગના ગામડાઓમાં વિજળી ગૂલ થઈ ગઈ છે.
જામનગર શહેરની વાત લઈએ તો ગઈકાલે બપોર બાદ ધીમીધારે વરસાદ શરુ થયો હતો. અવાર નવાર જોરદાર ઝાપટાં પડ્યા હતાં અને રાતે રથી પ દરમિયાન ધીમી ધારે વરસાદ પડ્યો હતો, સવારે ૬ વાગ્યા સુધીમાં ૩૮ મીમી વરસાદ થયાં બાદ બે કલાકમાં વધુ એક ઈંચ વરસાદ પડતાં કુલ અઢી ઈંચ વરસાદ પડ્યો છે. અનેક જગ્યાએ શોર્ટ સર્કિટ થયાં છે. આ લખાય છે ત્યારે પણ સવારે ૯:૩૦ વાગ્યે ધીમી ધારે વરસાદ ચાલુ છે.
ભાણવડથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, આજુબાજૂના ગામડાઓમાં ઓઢથી બે ઈંચ વરસાદ થયો છે. શહેરમાં બે ઈંચ વરસાદ પડતાં ટાઢક થઈ હતી, પરંતુ ૮૦થી ૯૦ કિમીની ઝડપે પવન ફૂંકાતા અનેક ઝાડવા પડી ગયાં છે. આ લખાય છે ત્યારે કેટલાંક ગામોમાં હજુ પણ અંધારપટ છે.
જોડિયાથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઈકાલે ભારે વરસાદ થયો હતો એટલું જ નહીં ર૪ કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. આ લખાય છે ત્યારે પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે.
ધ્રોલથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, છેલ્લા ચોવીસ કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. આજુબાજુના ગામડામાં દોઢથી બે ઈંચ વરસાદ થયો છે, ૮૦થી ૯૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
લાલપુરથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, છેલ્લા ચોવીસ કલાકમાં ૩૯ મીમી વરસાદ પડ્યો છે, આ લખાય છે ત્યારે ભારે વરસાદી વાતાવરણ છે. આમ સમગ્ર હાલારમાં ભારે અંધારપટ જેવું વાતાવરણ જોવા મળે છે.  ભારે પવનથી લાખોનું નુકસાન થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application