*જામનગર નજીક જામ-વંથલી ગામમાં જળ સંચય કાર્યનો પ્રારંભ કરાયો*
જામનગર તાલુકાના જામ-વંથલી ગામ ખાતે જળ સંચયના મહત્વપૂર્ણ કાર્યની શરૂઆત કરવામાં આવી છે. રોટરી ક્લબ ઓફ જામનગર બી.જે.એસ. જૈન ઓર્ગેનાઈઝેશન ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે જળ સ્ત્રોતોને પુનર્જીવિત કરવા માટે સ્વ-ભંડોળથી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
તા. ૦૭/૦૪/૨૦૨૬ના રોજ જામ-વંથલી ખાતે જળ સંચયના કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના નવીન કોઠારી, શરદ શેઠ, જયેશ મહેતા, કેતન શાહ તેમજ ગામના તલાટી, સરપંચ, અગ્રણીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં નવકાર મંત્રના પાઠ સાથે કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ભારત સરકારના “કેચ ધ રેઇન” આહવાનને અનુસરી બંને સંસ્થાઓએ સંયુક્ત રીતે જળ સંચય અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત રાવલસર, ડબાસંગ અને ફૂલનાથ ખાતે કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જેના પરિણામે પાંચ કરોડ લીટરથી વધુ વરસાદી પાણીના સંગ્રહમાં વધારો થયો છે.
હાલમાં બાલાચડી, નેસડા, હડીયાણા, ઠેબા, મચ્છુ-બેરાજા, આરીખાણા, ચાવડા, ધુન-ધોરાજી, ખારવા, બુટાવદર સહિતના ગામોમાં તળાવો ઊંડા ઉતારવાની કામગીરી ચાલી રહી છે. આગામી સમયમાં ચાપા-બેરાજા, સડોદર, મોટા-વાગુદડ, વડાલીયા સિંહણ, કજુરડા સહિતના ગામોમાં પણ આ કાર્ય શરૂ કરવામાં આવશે.
સ્વ-ભંડોળ અને ગ્રામજનોના સહકારથી શરૂ કરાયેલ આ અભિયાન દ્વારા અંદાજે ૩૫ કરોડ લીટરથી વધુ વરસાદી પાણી સીધું દરિયામાં વહી જતું અટકશે, જેના પરિણામે ખેતી, પશુપાલન અને પર્યાવરણને નોંધપાત્ર ફાયદો થશે.
જળ સંચય કરવું અને પાણીનો બગાડ અટકાવવો દરેક નાગરિકની ફરજ છે. ઘર, અગાસી અને છત પરથી વરસતા વરસાદી પાણીનું સંચય કરવાથી અનેક લાભો પ્રાપ્ત થઈ શકે છે. જળ સંચય માટે માર્ગદર્શન મેળવવા ઇચ્છુક નાગરિકો સંસ્થાના કાર્યકરોનો સંપર્ક કરી શકે છે.
આ સમગ્ર અભિયાનમાં સંસ્થાના કર્મઠ કાર્યકરો તન-મન-ધનથી જોડાઈ સેવા આપી રહ્યા છે.