જામનગરમાં વ્યાજખોરો બેફામ : વધુ એક યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો
સફાઈકર્મીએ ૧ લાખ સામે ૧૦ લાખ ચૂકવી દીધા છતાં વધુ ૭ લાખની ઉઘરાણી : એટીએમકાર્ડ અને ચેકબુક લઈ પગાર ઉપાડી લેતો શખ્સ
જામનગર શહેરમાં રાક્ષસી વ્યાજ વસૂલવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક સફાઈ કામદાર યુવાને એક લાખ રૂપિયા વ્યાજે મેળવી લીધા બાદ ૧૦ લાખ રૂપિયા ચૂકવી દીધા છતાં વધુ ૭ લાખ રૂપિયાની માંગણી કરીને ધમકી આપતો હોય જેથી પટેલ કોલોનીના શખ્સ સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, જામનગરના ગણેશ વાસ વિસ્તારમાં રહેતા અને એરફોર્સમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હિતેશભાઈ મોહનભાઈ પરમાર નામના વાલ્મિકી સફાઈ કામદારે નાણાકીય જરૂરિયાતને કારણે પટેલ કોલોની વિસ્તારમાં ચાલતી ફાઇનાન્સ ઓફિસમાંથી ૧ લાખ ૧૦ ટકા માસિક વ્યાજે લીધા હતા. આરોપીએ સિક્યોરિટી તરીકે એ.ટી.એમ. કાર્ડ, પાસબુક અને ચેકબુક લઈ ત્રણ બ્લેન્ક ચેક પર સહી કરાવી હતી.
પીડિતના જણાવ્યા મુજબ આરોપી એ.ટી. એમ. કાર્ડનો ઉપયોગ કરીને તેના ખાતામાંથી દર મહિને રૂપિયા ઉપાડતો રહ્યો અને ક્યારેક પોતાના ખાતામાં ટ્રાન્સફર પણ કરતો હતો. આ રીતે મૂળ રકમ કરતાં અનેકગણી રકમ વસૂલ કરવામાં આવી હતી. પછી પીડિતે પોતાનું બેંક એકાઉન્ટ બંધ કરતા આરોપીએ ધમકી આપવાનું શરૂ કર્યું હતું. આરોપીએ બ્લેન્ક ચેકમાં મોટી રકમ ભરી બાઉન્સ કરાવી કોર્ટમાં કેસ કર્યો હતો.
આ સમગ્ર મામલે હિતેશ પરમારે આરોપી પટેલ કોલોની શેરી નં. ૮/૯ માં રહેતા નિલેશ દીક્ષિત સામે વ્યાજખોરી, છેતરપિંડી અને ધમકી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડો સમય ભુગર્ભમાં ઉતરી ગયેલા વ્યાજખોરોની દાદાગીરી ફરી એકવા સામે આવી છે જામનગરમાં ટુંકાગાળામાં વ્યાજ વટાવ અંગે ચોથી ફરીયાદ દાખલ થતા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.