જામનગરમાં બપોરે અસહ્ય ગરમી: તાપમાન ૩૪.૫ ડીગ્રી
સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે કાળઝાળ ગરમીમાં રાજકોટનું તાપમાન ૪૨ ડીગ્રી થયું
જામનગર સહિત સમગ્ર હાલારમાં કાળઝાળ ગરમીનો દોર શરૂ થઇ ચુકયો છે. ચૈત્ર માસનો આજે છેલ્લો દિવસ છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકો ગરમીથી અકળાઇ ઉઠયા છે. રાજકોટની હાલત બહુ ખરાબ છે સતત ચોથા દિવસે પણ તાપમાન ૪૨ ડીગ્રીને પાર કરી ગયું છે. અન્ય શહેરોમાં અમરેલી, જુનાગઢ, ભાવનગરમાં પણ તાપમાન ૪૦ ડીગ્રીને વટાવી ગયુ હતું ત્યારે જામનગરનું તાપમાન ૩૪.૫ ડીગ્રીને પહોંચ્યુ હતું. આગામી દિવસોમાં ચુંટણી સમયે પણ ગરમીનું પ્રમાણ વધશે એવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
ખાસ કરીને અખાત્રીજના પવિત્ર દિવસે એટલે રવિ સોમ આસપાસ હવામાન ખાતાએ ફરીથી એક વખત માવઠુ આવવાની આગાહી કરી છે ત્યારે અવાર નવાર માવઠાના મારથી ખેડુતોને નુકશાનીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ઘઉં, મરચા, રાય, મેથી, જીરૂ જેવા કેટલાક પાકો તૈયાર થઇ ગયા હોય ત્યારબાદ માવઠુ થવાથી ખેડુતોને આર્થિક નુકસાની ભોગવવી પડે છે. એટલે કે આ વખતે લગભગ ચારેક માવઠા થઇ ચુકયા છે. આમ ધીમે ધીમે ગરમી વધતી જાય છે. આજ સવારથી જ ગરમીનો માહોલ જોવા મળ્યો છે.
કલેકટર કચેરીનાં કંટ્રોલનાં જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન ૩૪.૫ ડીગ્રી, ઓછામાં ઓછુ ર૪ ડીગ્રી, હવામાં ભેજ ૭૨ ટકા, પવનની ગતિ ૩૦ થી ૩૫ કિ.મી. પ્રતિ કલાક જોવા મળી હતી.
ગરમીની શરૂઆત થઇ ચુકી છે. ઉનાળાના દિવસોમાં ગરમીને કારણે કોઇ તકલીફ થાય તો તાત્કાલિક નજીકનાં સરકારી કે ખાનગી દવાખાનામાં સારવાર લેવી. ડોકટરોના કહેવા મુજબ ઓઆરએસ, લીંબુ પાણી, સાદુપાણી સતત પીતા રહેવું અને જરૂર ન હોય તો બપોરે ૧૨ થી ૪ દરમ્યાન તડકામાં બહાર ન નીકળવું. લૂ લાગવાને કારણે લોકોને તકલીફ પડે છે ત્યારે આગામી દિવસોમાં પણ મહતમ તાપમાન ૪૦ ડીગ્રીને આસપાસ પહોંચી જશે.