જોડીયા પંથકમાં વાહન અકસ્માતમાં બે આધેડને ફ્રેકચર
ખીરી નજીક ફોરવ્હીલ ગાડીએ બાઇકને ઠોકર મારી : કેશીયા પાટીયે રાહદારીને કારે હડફેટે લીધા
જોડીયાના હડીયાણા-ખીરી ધાર પર ફોરવ્હીલ ગાડી ચાલકે બાઇકને હડફેટે લેતા પરપ્રાંતીય વૃઘ્ધને ફ્રેકચર સહિતની ઇજા પહોચી હતી જયારે કેશીયા પાટીયા રોડ પર ચાલીને જઇ રહેલા આધેડને ફોરવ્હીલ ગાડી ચાલકે ઠોકર મારતા ફ્રેકચર સહિતની ઇજા થઇ હતી આ બંને બનાવમાં ફોરવ્હીલ ગાડીના ચાલકે ફરીયાદ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
એમપીના ભાભરા તાલુકાના વતની હાલ મોટી બાણુગાર વાડીએ રહેતા ખેતમજુર ભાવેશ સેંગાભાઇ ભાભોર (ઉ.વ.૨૫) નામના યુવાને ફોરવ્હીલ ગાડી નં. જીજે૫સીએન-૯૮૪૯ના ચાલક જાવેદ અબ્દુલ ખીચડી રહે. જોડીયાની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
ગત તા. ૪ના રોજ ફરીયાદીના પિતા સેંગા વાગજીભાઇ ભાભોર ડ્રીમ યુગા બાઇક નં. જીજે૧૦સીજે-૭૮૬૧ લઇને હડીયાણા ગામેથી બાણુગાર ગામે ભાગમાં રાખેલ વાડીએ આવતા હતા, દરમ્યાન હડીયાણા-ખીરી વચ્ચે ધાર જગ્યા પાસે પહોચતા ઉપરોકત નંબરના ફોરવ્હીલ ગાડીના ચાલકે બેદરકારી અને પુરઝડપે ચલાવી બાઇકની સાથે સામેથી ભટકાડી અકસ્માત સર્જયો હતો.
આ અકસ્માતમાં સેંગાભાઇને નીચે પછાડી દઇ પગમાં ૩ જગ્યાએ અને હાથમાં ૧ જગ્યાએ ફ્રેકચર જેવી ગંભીર ઇજા અને શરીરે છોલછાલ પહોચાડી હતી ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
અન્ય એક બનાવમાં રાજકોટ કોઠારીયા રોડ ખાતે રહેતા મુળ કેશીયા ગામના વતની હનીફ અલારખાભાઇ ખેરાડા (ઉ.વ.૪૧)એ ફોરવ્હીલ ગાડી નં. જીજે૧૦સીજી-૫૨૬૭ના ચાલક યોગેન્દ્રસિંહ વાઘેલા રહે. જામનગરની વિરુઘ્ધ ગઇકાલે ફરીયાદ કરી હતી.
ગત તા. ૭ના રોજ ફરીયાદીના કાકા રફીકભાઇ કેશીયા પાટીયા પાસે આવેલ રોડ પર ચાલીને જતા હતા હોટલ સામે પહોચતા ઉપરોકત નંબરના ફોરવ્હીલ ગાડીના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રફીકભાઇને પાછળથી ઠોકર મારીને રોડ પર ફંગોળી દીધા હતા જેથી તેઓને કપાળના ભાગે મુંઢ ઇજા અને પડખામાં ફ્રેકચર જેવી ઇજા પહોચી હતી.