ભાણવડના જામ રોજીવાડા ગામે જુગાર રમતા સાત ઝડપાયા
રોકડ, મોબાઇલ, બાઇક સહિત રૂ. ૬૫ હજારથી વધુનો મુદામાલ કબજે
ભાણવડ પોલીસ દ્વારા જામ રોજીવાડા ગામના ખાણ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને કુલ રૂ. ૬૫,૫૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આગામી ચૂંટણીના અનુસંધાને પ્રોહીબીશન અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા માટે રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાના પગલે આ કામગીરી કરવામાં આવી હતી.
આ કાર્યવાહીની વિગત મુજબ, ખંભાળીયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.વી. રૂદલાલ અને ભાણવડ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.જે. કરપડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નારણભાઇ બેલા, જીતુભાઇ જામ અને કોન્સ્ટેબલ લાલાભાઇ ખાટલીયાને મળેલી સંયુક્ત બાતમીના આધારે જામ રોજીવાડા ગામની ખાણ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં જાહેરમાં ગંજી પત્તા વડે રોન પોલીસ નામનો જુગાર રમતા નુરમામદભાઇ ઇભરામભાઇ હીંગોરા, કેતનભાઇ ભીમાભાઇ કારેણા, ભીમશીભાઇ ઉર્ફે નગો કરશનભાઇ પાથર, દિનેશભાઇ કેશાભાઇ સોલંકી, રાહુલભાઇ રાણાભાઇ મકવાણા, કાનાભાઇ વજશીભાઇ સોલંકી અને અરશીભાઇ કેશાભાઇ સોલંકી નામના સાત શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૨૦,૦૮૦, ચાર નંગ મોબાઇલ ફોન (કિંમત રૂ. ૧૫,૫૦૦) અને બે મોટરસાયકલ (કિંમત રૂ. ૩૦,૦૦૦) મળી કુલ રૂ. ૬૫,૫૮૦નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં ભાણવડ પી.આઈ. કે.જે. કરપડા સહિત એ.એસ.આઈ. જયપાલસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ નારણભાઇ બેલા, જીતુભાઇ જામ, કિશોરસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તેમજ કોન્સ્ટેબલ યોગરાજસિંહ ઝાલા અને લાલાભાઇ ખાટલીયા જોડાયા હતા.