અમરનાથ યાત્રા ૨૦૨૬ માટે જામનગરમાં ૧૫ એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ખંભાળિયા ગેટ પાસે આવેલી પંજાબ નેશનલ બેંકની શાખામાં ઓફલાઇન નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દૈનિક ૩૬ યાત્રીઓની મર્યાદા સાથે નોંધણી કરવામાં આવી રહી છે. બેંક દ્વારા દરરોજ કુલ ૩૬ યાત્રીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. આમાં બાલતાલ રૂટ માટે ૧૮ અને પહેલગામ રૂટ માટે ૧૮ યાત્રીઓની મર્યાદા નક્કી કરાઈ છે. રજિસ્ટ્રેશન શરૂ થતાની સાથે જ પ્રથમ ત્રણ દિવસનો ક્વોટા સંપૂર્ણ ભરાઈ ગયો છે.યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવા ઈચ્છતા દરેક યાત્રી માટે જી.જી. હોસ્પિટલ ખાતેથી આરોગ્ય ચકાસણી કરાવી મેડિકલ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે. આ સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ જ બેંક દ્વારા અધિકૃત પરમિટ આપવામાં આવે છે.
યાત્રીઓની સુવિધા માટે બેંક તંત્ર દ્વારા પીવાના પાણી અને બેસવાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.ચાલુ વર્ષે અમરનાથ યાત્રા ૩ જુલાઈથી શરૂ થઈને ૨૮ ઓગસ્ટ સુધી ચાલશે, જે કુલ ૫૭ દિવસની રહેશે. શ્રદ્ધાળુઓ ઓનલાઈન પોર્ટલ અથવા બેંકની નિર્ધારિત શાખાઓ પરથી ઓફલાઈન માધ્યમ દ્વારા પોતાની નોંધણી કરાવી શકે છે. બેંક સત્તાધીશો દ્વારા યાત્રાએ જવા ઈચ્છતા ભક્તોને વહેલી તકે મેડિકલ પ્રક્રિયા પૂર્ણ કરી રજિસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે.