રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા "વિશ્વ ધરોહર દિવસ 2026" ની ઉત્સાહપૂર્વક ઉજવણી

  • April 20, 2026 10:09 AM 

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા "વિશ્વ ધરોહર દિવસ 2026" ની ઉત્સાહપૂર્વક ઉજવણી
 

વારસાનું સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન પર જાગૃતિનો સંદેશ


રાજકોટ રેલ ડિવિઝન દ્વારા 18 એપ્રિલ, 2026 ના રોજ 'વિશ્વ ધરોહર દિવસ 2026' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડિવિઝન માં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ ડિવિઝન ના સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ વર્ષની વૈશ્વિક થીમ “સંઘર્ષ અને આપત્તિની પરિસ્થિતિઓમાં જીવંત વારસા માટે કટોકટી પ્રતિભાવ” ને અનુરૂપ રાજકોટ સ્ટેશન સ્થિત રેલવે હેરિટેજ ગેલેરીમાં  “જર્ની થ્રુ ટાઈમ” શીર્ષક હેઠળ એક વિશેષ પ્રદર્શન અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.


કાર્યક્રમની શરૂઆત શપથ ગ્રહણ અને હસ્તાક્ષર અભિયાન સાથે કરવામાં કરવામાં આવી હતી. આ અવસરે ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીનાએ રેલવે હેરિટેજ ગેલેરીનું અવલોકન કર્યું હતું અને હસ્તાક્ષર અભિયાનમાં પણ ભાગ લીધો હતો. તેમણે ગેલેરીમાં પ્રદર્શિત તસવીરો અને ઐતિહાસિક સામગ્રીઓનું નિરીક્ષણ કરતા વારસાના સંરક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને રાજકોટ ડિવિઝન ના અન્ય હેરિટેજ સ્થળો વિશે પણ માહિતી શેર કરી હતી.


કાર્યક્રમમાં વરિષ્ઠ ડિવિઝનલ યાંત્રિક ઈજનેર (Sr. DME)  મેઘરાજ તાતેડ અને સહાયક ડિવિઝનલ યાંત્રિક ઈજનેર (ADME) દ્વીપ સબાપરાએ પણ વારસાના સંરક્ષણ, તેના સંવર્ધન અને નવી પેઢીમાં આ અંગે જાગૃતિ લાવવાના મહત્વ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.



પ્રદર્શનના મુખ્ય આકર્ષણો:


પ્રદર્શનમાં ઓલ્ડ બ્લોક ઇન્સ્ટ્રુમેન્ટ, ટર્બો જનરેટર, ડેટિંગ મશીન, જૂની શૈલીની કાર્ડ ટિકિટ ટ્યુબ, પેન્ડુલમ ઘડિયાળ, પેટ્રોમેક્સ, વેઇટિંગ મશીન, હેન્ડ સિગ્નલિંગ લેમ્પ અને લાકડાના વિવિધ સાધનો જેવી ઐતિહાસિક વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ સામગ્રીઓએ ભારતીય રેલવેના તકનીકી વિકાસ અને ઐતિહાસિક સફરને જીવંત રીતે રજૂ કરી હતી.


સાથે જ, રાજકોટ ડિવિઝન ના અન્ય હેરિટેજ સ્થળો—જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, ડિવિઝન રેલ પ્રબંધક કચેરી (રાજકોટ), જામનગર અને દ્વારકામાં સ્થાપિત સ્ટીમ લોકોમોટિવ્સ, સુરેન્દ્રનગર સ્થિત હેરિટેજ ગેલેરી અને ઐતિહાસિક મહત્વ ધરાવતા મોરબી સ્ટેશન બિલ્ડિંગનો સમાવેશ થાય છે—તેમને રંગબેરંગી LED લાઈટોથી શણગારવામાં આવ્યા હતા.


કાર્યક્રમ દરમિયાન મુસાફરો અને સામાન્ય નાગરિકોને રેલવેની હેરિટેજ અસ્કયામતોના સંરક્ષણનું મહત્વ અને આપત્તિ તેમજ કટોકટીની સ્થિતિમાં તેમને સુરક્ષિત રાખવાના ઉપાયો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.


આ આયોજન ભારતીય રેલવેની પોતાની સમૃદ્ધ વિરાસતના સંરક્ષણ, સંવર્ધન અને પ્રસાર પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનઃ રેખાંકિત કરે છે. આવા પ્રયાસો માત્ર આપણા ગૌરવશાળી ભૂતકાળને જ સાચવતા નથી, પરંતુ ભાવિ પેઢીઓ માટે વારસાને સુરક્ષિત રાખવાની સામૂહિક જવાબદારીનો સંદેશ પણ આપે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News