આરોગ્ય: જામનગરમાં વૈદીક પદ્ધતિઓ દ્વારા દાંત અને મોઢાની સંભાળ માટે ડેન્ટલ કોલેજ દ્રારા જનજાગૃતિ અભિયાન
પ્રાચીન આયુર્વેદ પઘ્ધતિઓ અકસીર, લીમડા-બાવળના દાતણ દાંતના સડાને અટકાવી પેઢાને મજબૂત બનાવે છે.
આજના સમયમાં મોંઘી ટૂથપેસ્ટ અને માઉથવોશનો ઉપયોગ વધ્યો હોવા છતાં દાંતમાં સડો, પાયોરિયા અને સેન્સિટિવિટી જેવી સમસ્યાઓ વધી રહી છે. જામનગરમાં સરકારી ડેન્ટલ કોલેજ-હોસ્પિટલ દ્રારા હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ અભિયાન અંતર્ગત લોકોમાં ફરીથી કુદરતી અને પ્રાચીન પદ્ધતિઓ અંગે જાગૃતિ લાવવામાં આવી રહી છે. આયુર્વેદ નિષ્ણાતોના મતે, જો આપણે પ્રાચીન વૈદિક પરંપરાઓ તરફ પાછા વળીએ, તો માત્ર દાંત જ નહીં પરંતુ સમગ્ર શરીરને નિરોગી રાખી શકાય છે. આયુર્વેદમાં લીમડા અને બાવળના દાતણને શ્રેષ્ઠ માનવામાં આવે છે (વડ અથવા કરંજનું દાતણ પણ ઉપયોગી છે). લીમડાના એન્ટી-બેક્ટેરિયલ ગુણ દાંતના સડાને અટકાવે છે, જ્યારે બાવળ પેઢાને મજબૂત બનાવે છે. દાતણ ચાવવાથી નીકળતો રસ મોઢાના પીએચ લેવલને સંતુલિત રાખે છે.
હાલમાં લોકપ્રિય બનેલી ઓઇલ પુલિંગ પદ્ધતિ હજારો વર્ષ જૂની છે. સવારે ખાલી પેટે ૧ ચમચી તલનું અથવા નાળિયેરનું તેલ મોઢામાં ૧૦ થી ૧૫ મિનિટ ફેરવવાથી ઝેરી તત્વો દૂર થાય છે. આ પ્રક્રિયાથી દાંતની ચમક વધે છે અને ચહેરાના સ્નાયુઓને પણ ફાયદો થાય છે. આયુર્વેદમાં તાંબાના ટંગ સ્ક્રેપરનો ઉપયોગ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જીભ પર જમા થયેલો સફેદ પડ દૂર કરવાથી સ્વાદ ગ્રંથિઓ સક્રિય થાય છે અને પાચન સુધરે છે. જો તમે બજારની પેસ્ટ છોડવા માંગતા હો, તો હળદર, સિંધવ મીઠું અને સરસવનું તેલ ભેળવીને ઘરેલું મંજન બનાવી શકો છો. આ મિશ્રણ પેઢામાંથી લોહી આવવાનું અટકાવે છે અને મોઢાની દુર્ગંધ દૂર કરે છે. નિષ્ણાતોના જણાવ્યાનુસાર સવારે જ નહીં, પરંતુ રાત્રે સૂતા પહેલા પણ બ્રશ અથવા કોગળા કરવું અત્યંત જરૂરી છે. જમ્યા પછી પાણીથી કોગળા કરવાથી ખોરાકના કણો દૂર થાય છે અને સડો અટકે છે.
દાંત અને મોઢાની સંભાળ માટે દૈનિક સમયપત્રક ખૂબ જ મહત્વપૂર્ણ છે. સવારે ઉઠતાની સાથે ઓઇલ પુલિંગ કરવું જોઈએ જેમાં ૧ ચમચી તલ અથવા નાળિયેરનું તેલ ૧૦ થી ૧૫ મિનિટ મોઢામાં ફેરવવું. ત્યારબાદ દાંત સાફ કરવા માટે લીમડું અથવા બાવળનું દાતણ શ્રેષ્ઠ છે અથવા ઘરેલું મંજન (હળદર, સિંધવ મીઠું, સરસવ તેલ) નો ઉપયોગ કરી શકાય. જીભની સફાઈ માટે તાંબાનું અથવા સ્ટીલનું સ્ક્રેપર ૫ થી ૭ વખત હળવેથી વાપરવું જોઈએ. દરેક ભોજન પછી ઓછામાં ઓછા ૮ થી ૧૦ વખત પાણીથી કોગળા કરવાથી મોઢું સ્વચ્છ રહે છે અને વરિયાળી ચાવવાથી લાળનું સ્રાવ વધે છે જે દાંતને સડાથી બચાવે છે. રાત્રે સૂતા પહેલા બ્રશ કરવું અથવા ત્રિફળા પાણીથી કોગળા કરવું ખૂબ જરૂરી છે, જે બેક્ટેરિયાને ઘટાડે છે અને સવારે દુર્ગંધથી બચાવે છે.
કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તાંબાના પાત્રમાં રાખેલું પાણી પીવું, પેઢા પર હળવું તેલ મસાજ કરવું અને કુદરતી દાતણનો ઉપયોગ કરવો લાભદાયી છે. જ્યારે ખૂબ ગરમ ખોરાક પછી તરત ઠંડું પાણી પીવું નહીં, કઠોર રીતે બ્રશ ન કરવું અને રાત્રે મીઠાઈ ખાઈને બ્રશ કર્યા વગર સુવું નહીં. હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ અભિયાનનો ઉદ્દેશ માત્ર સારવાર નહીં પરંતુ પ્રિવેન્ટિવ કેર અને જાગૃતિ દ્વારા લોકોના જીવનમાં સ્વસ્થ મોઢાની આદતો વિકસાવવાનો છે. કુદરતી પદ્ધતિઓ અપનાવીને સ્વસ્થ મુખ અને સુખી જીવન તરફ આગળ વધી શકાય છે.