સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે ચૂંટણી સાહિત્ય પર મુદ્રક અને પ્રકાશકનું નામ-સરનામું છાપવું ફરજીયાત

  • April 09, 2026 05:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે ચૂંટણી સાહિત્ય પર મુદ્રક અને પ્રકાશકનું નામ-સરનામું છાપવું ફરજીયાત

જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી.બી.પંડ્યા દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું.


જામનગર તા.૯ એપ્રિલ, આગામી તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તથા જામનગર, કાલાવડ, લાલપુર, જામજોધપુર, ધ્રોલ અને જોડિયા એમ કૂલ ૬ તાલુકા પંચાયતની ચૂંટણી માટેનું મતદાન યોજાનાર છે. જેના સંદર્ભમાં જિલ્લાના તમામ પ્રિન્ટીંગ પ્રેસ માલિકો માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી.બી.પંડ્યા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.


જાહેરનામા મુજબ, કોઇપણ વ્યક્તિ મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહી અથવા છપાવી કે પ્રસિધ્ધી કરાવી શકશે નહી. પ્રકાશકની ઓળખ અંગેના બે વ્યક્તિઓએ શાખ કરેલા એકરારનામાની બે નકલ મુદ્રકને જોડાણ-‘ક’માં આપવાની રહેશે અને મુદ્રકે આવા એકરારપત્રો બે નકલમાં મેળવી લેવાના રહેશે. દરેક મુદ્રણાલય, ફોટોકોપી કરનાર કે રોનીયો કોપી કાઢનાર કે કોમ્પ્યુટર પ્રિન્ટ કાઢનારે ચૂંટણી સાહિત્ય છપાયા પછી એકરારપત્રની એક નકલ અધિકૃત કરી તથા છાપેલ સાહિત્યની એક નકલ (વધારાની ત્રણ નકલ સાથે) કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને દિવસ-૩ માં મોકલી આપવાની રહેશે.

આ જોગવાઇઓનો ભંગ કરનાર વ્યક્તિ સામે પ્રેસ રજીસ્ટ્રેશન એકટ હેઠળ પગલા લેવામાં આવશે. મુદ્રણાલયનું લાયસન્સસ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તથા ભારતીય દંડ સંહિતાની જોગવાઇ અનુસાર પગલા લેવામાં આવશે. આવા લખાણોમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોમ કે ભાષાને આગળ ધરીને અપીલ કરવી અથવા વિરોધી ઉમેદવારના ચારીત્ર્યખંડન જેવી કોઇ ગેરકાનૂની બાબતોનો સમાવેશ કરી શકાશે નહી. મુદ્રકે પ્રકાશકના એકરારપત્રની નકલ પ્રમાણિત કરીને તથા છાપેલા દસ્તાવેજોની વિગત જોડાણ-ખ માં અલગ-અલગ રીતે દિવસ-૩ માં જિલ્લા મેજીસ્ટ્રેટને રજુ કરવાની રહેશે.


જિલ્લાના તમામ પ્રિન્ટીંકગ પ્રેસ ધરાવનારાઓએ  કે ફોટો કોપી કે લેઝર પ્રિન્ટીંગ કરનાર કે રોનીયો કોપી કરનાર કે કોમ્પ્યુટર પ્રિન્ટ કરનાર સંચાલકોએ તેમના નામ-સરનામાં અંગેની માહિતી દિવસ-૨ માં સબંધિત મામલતદારશ્રીની કચેરીના સરનામે મોકલી આપવાની રહેશે. મતદારોના માર્ગદર્શન માટે છપાવવામાં આવતી ઓળખ કાપલીમાં કોઇ ચોકકસ ઉમેદવાર કે પક્ષનો પ્રચાર થાય તેવી કોઇ વિગત છપાવી શકશે નહી એટલે કે ઓળખ કાપલીમાં પ્રકાશક, ઉમેદવાર કે પક્ષના નામ છપાવવાના રહેશે નહી. તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application