જામનગરમાં લાલ ગુલાબી પથ્થરમાંથી ખીજડા મંદિરનું નવેસરથી નિર્માણ થશે

  • May 10, 2024 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં ૪૦૦ વર્ષ પહેલા સ્થપાયેલા ખીજડા મંદિરના પ્રથમ ધર્મસ્થાન સંપ્રદાયના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે, વર્ષો થઇ ગયા હોય મંદિરનો ર્જીણોઘ્ધાર કરાયો ન હોવાથી હવે આ મંદિર ભારતીય શીલ્પ શાસ્ત્ર પ્રમાણે નાગરશૈલીમાં રાજસ્થાનના લાલ, ગુલાબી પથ્થરમાંથી નિર્માણ કરાશે તેમ ખીજડા મંદિર આચાર્ય પૂ. કૃષ્ણમણીજી મહારાજ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની છોટી કાશી ગણાતા તીર્થ ક્ષેત્ર જામનગરમાં શ્રીકૃષ્ણ પ્રણામી સંપ્રદાયની આચાર્યપીઠ આવેલી છે, શ્રી પ નવતનપુરી ધામ વર્ષોથી સ્થાપાયેલું છે અને સંપ્રદાયનું પ્રથમ સ્થાન અહીંયા આવેલું છે, આ સંપ્રદાયના ૧ર૦૦ થી વધુ મંદિરો ભારતભરમાં છે અને પાંચ કરોડથી વધુ અનુયાયીઓ પણ ફેલાયેલા છે.
મુખ્ય મંદિર ધીરે ધીરે નબળું પડતું જતું હોય, આ મંદિરનું બાંધકામ નવેસરથી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેનું ખાતમુર્હુત આજે સવારે અખાત્રીજના દિવસે રાખવામાં આવ્યું હતું, જેમાં રાજવી પરિવારના જામસાહેબ શત્રુશલ્યસિંહજી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 
ભારતીય શિલ્પ શાસ્ત્ર પ્રમાણે આ મંદિર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, નાગરશૈલીમાં રાજસ્થાનના લાલગુલાબી પથ્થરમાંથી નવવા મંદિરનું નિર્માણ કરાશે, જેમાં નિર્માણ કાર્યમાં દોઢ લાખ ઘનફૂટ પથ્થરનો પણ ઉપયોગ કરવામાં આવશે, આ મંદિરને કલાત્મક બનાવવામાં આવશે અને તેના નિર્માણ કાર્યમાં લગભગ ૩ વર્ષ જેટલો સમય થશે, તેમ પણ જણાવ્યું હતું.
અત્રે એ યાદ અપાવવું જ‚રી છે કે ખીજડા મંદિર એટલે કે પ્રણામી સંપ્રદાય દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવે છે અવારનવાર સર્વરોગ નિદાન કેમ્પ, ખીજડા મંદિરનો મહોત્સવ પણ ઉજવવામાં આવે છે, આ મંદિરના કાર્યોમાં પૂ. લક્ષ્મણદાસજી મહારાજ પણ સહકાર આપશે.
આજે સવારે જામનગરના રાજવી પરિવારના જામસાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજે પણ પૂજન કર્યું હતું, ઉપરાંત ગામેગામથી આવેલા સંતો-મહંતો પણ પૂજનવિધિમાં જોડાયા હતા, પ્રણામી ધર્મનો જયજયકાર થયો હતો, વર્ષો બાદ પ્રથમ વખત આખા મંદિરની કાયાપલટ થવાની હોય, દેશ વિદેશથી પણ પ્રણામી સંપ્રદાયના ભક્તો જામનગર આવી પહોંચ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application