*જામનગર મનપા ના પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફીની ઉમેદવારી પત્ર ભરવા માટેની અરજી હાઇકોર્ટમાં દાખલ*
*મનપા ની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા માટે વડી અદાલત પાસે મંજૂરીની માંગ કરાઈ: ચૂંટણી જંગ બનશે રસપ્રદ*
જામનગરના પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી દ્વારા ઉમેદવારી પત્ર ભરવા માટે હવે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જે અરજીમાં ઉમેદવારી નોંધાવવા માટે વડી અદાલત સમક્ષ મંજૂરી માંગવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આજે આ અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
હાલ તેઓ મારામારીના એક કેસમાં જામનગરની અદાલતના આદેશ બાદ જેલવાસ ભોગવી રહ્યા છે, અને તેઓ દ્વારા જામનગરની સેસન્સ અદાલતમાં પોતાને જામીન પર મુક્ત કરવા માટેની કરાયેલી જામીન અરજી રદ થયા બાદ ઉમેદવારી પત્ર ભરવા માટે તેઓએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે અને ઉમેદવારી પત્ર ભરવા માટે અરજી કરાઈ છે.
રાજકીય વર્તુળોમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. જો કોર્ટ તરફથી મંજૂરી મળે તો આવનારી ચૂંટણીમાં સ્પર્ધા વધુ રસપ્રદ બનવાના એંધાણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. આગામી સુનાવણી અને કોર્ટના નિર્ણય પર તમામની નજર કેન્દ્રિત છે.