અમેરિકાના લીબિયા મોડેલની જાળમાં ફસાયું નહીં ઈરાન

  • April 13, 2026 05:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાના લીબિયા મોડેલની જાળમાં ફસાયું નહીં ઈરાન


ઈરાન પોતાનો અણુ પ્રોગ્રામ સંપૂર્ણ રીતે બંધ કરી દે અને સંવર્ધિત યુરેનિયમ અમેરિકાને સોંપી દે એવી ટ્રમ્પની માગણી માત્ર એક કૂટનીતિક શરત નહોતી, પરંતુ તેના પાછળ એક સ્પષ્ટ ઐતિહાસિક મોડેલ છુપાયેલુ હતું. આ સમગ્ર પ્રસ્તાવ ઘણો અંશે લીબિયાના કેસ જેવી જ રચનાવાળો લાગતો હતો, જેને અનેક વિશ્લેષકો લીબિયા મોડલ તરીકે ઓળખાવતા હતા. આ મોડલનો મૂળ તત્વ એ હતો કે એક દેશને તેના વ્યૂહાત્મક હથિયારો છોડાવવા માટે દબાણ અને લાલચ બંનેનો ઉપયોગ કરવામાં આવે, અને બદલામાં સુરક્ષાની ગેરંટી આપવામાં આવે. લીબિયામાં, અમેરિકાએ કર્નલ મુઅમ્મર ગદાફી સામે આવી જ શરતો મૂકી હતી. લીબિયાને કહેવામાં આવ્યું હતું કે જો તે પોતાનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે બંધ કરી દે અને સંવર્ધિત યુરેનિયમ અમેરિકાને સોંપી દે, તો તેના પર કોઈ સૈનિકી કાર્યવાહી નહીં કરવામાં આવે અને તેની સત્તા સામે કોઈ ખતરો ઊભો નહીં કરવામાં આવે. તે સમયે ગદ્દાફી આંતરરાષ્ટ્રીય એકલતા અને આંતરિક દબાણ વચ્ચે ફસાયેલા હતા, અને તેમણે આ અમેરિકન ખાતરીઓ પર વિશ્ર્વાસ કરીને પોતાની વ્યૂહાત્મક ક્ષમતાઓનો ત્યાગ કર્યો હતો. લીબિયાએ પોતાનો પરમાણુ કાર્યક્રમ બંધ કર્યો હતો અને પોતાના સંવર્ધિત યુરેનિયમનો સંગ્રહ પણ અમેરિકા ને સોંપી દીધો હતો. પરંતુ આ પછીની ઘટનાઓએ આ સમગ્ર પ્રક્રિયાને એક ચેતવણીરૂપ ઉદાહરણમાં ફેરવી નાખી હતી.

​​​​​​​
થોડા વર્ષો પછી, જ્યારે અમેરિકાએ લીબિયામાં આંતરિક બળવો કરાવ્યો અને  અમેરિકા અને નાટોએ બળવાખોરોને ખુલ્લો ટેકો આપ્યો. ગદ્દાફી સરકારે વિદ્રોહીઓ સામે કાર્યવાહી શરૂ કરી ત્યારે, આ જ પરિસ્થિતિને બહાનું બનાવીને લીબિયા પર સૈનિકી હુમલો કરવામાં આવ્યો. અમેરિકાના યુદ્ધ જહાજો અને નાટોના દળોએ ટ્રિપોલી સહિતના વિસ્તારોમાં ભારે બોમ્બમારો કર્યો હતો. અંતે, ગદ્દાફી સત્તા ગુમાવી બેઠા અને તેમની હત્યા નાટો સમર્થિત દળો દ્વારા કરવામાં આવી. આ સમગ્ર ઘટનાક્રમે એક મહત્વપૂર્ણ પ્રશ્ર્ન ઊભો કર્યો હતો કે શું ગદ્દાફીનો સૌથી મોટો વ્યૂહાત્મક ભૂલ એ હતી કે તેમણે પોતાના સુરક્ષા સાધનો, ખાસ કરીને પરમાણુ કાર્યક્રમ, સ્વૈચ્છિક રીતે છોડી દીધો હતો? ઘણા વિશ્લેષકોનું માનવું હતું કે જો લીબિયા પાસે તે સમયે પરમાણુ નિર્વારક શક્તિ હોત, તો અમેરિકા અને નાટો માટે સીધી સૈનિકી કાર્યવાહી કરવી એટલી સરળ ન હોત. પરમાણુ શક્તિ માત્ર હથિયાર નથી, પરંતુ એક પ્રકારની સુરક્ષા ઢાલ પણ છે, જે મોટા દેશોને સીધો હુમલો કરતા પહેલા અનેક વાર વિચારવા મજબૂર કરે છે.


આ જ પરિપ્રેક્ષ્યમાં જ્યારે ટ્રમ્પની ઈરાન સામેની માગણીઓ પર નજર કરવામાં આવી હતી, ત્યારે એ સ્પષ્ટ થતું હતું કે અમેરિકા એક જ મોડેલ  ફરીથી લાગુ કરવા માગતું હતું. ઈરાનને કહેવામાં આવતું હતું કે તે પોતાનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે બંધ કરી દે અને તેની સંવર્ધિત યુરેનિયમ ક્ષમતાને સમર્પિત કરી દે. બદલામાં સુરક્ષા અને પ્રતિબંધોમાં રાહતની વાત કરવામાં આવતી હતી. પરંતુ ઈરાન માટે લીબિયાનું ઉદાહરણ જીવંત ચેતવણી તરીકે હાજર હતું. ઈરાને લીબિયાની ભૂલોમાંથી પણ  શીખ્યું  હશે. તેણે સમજ્યું કે એકવાર વ્યૂહાત્મક શક્તિઓનો ત્યાગ કરી દેવાય પછી, આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં પોતાનું વજન ખૂબ ઘટી જાય છે અને બાહ્ય દબાણ સામે રક્ષણ નબળું પડી જાય છે. તેથી, ઈરાન આ પ્રકારની ટ્રેપ માં આવવા માટે તૈયાર નહોતું. વાટાઘાટો દરમિયાન તેણે પોતાનું સ્થાન મજબૂત રાખ્યું હતું અને પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે બંધ કરવા અથવા સંવર્ધિત યુરેનિયમ સોંપી દેવા જેવી કઠોર શરતો સ્વીકારી નહીં.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News