જામનગરમાં સ્વચ્છતા સાથે મતદાન જાગૃતિનો નવતર પ્રયોગ
શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરતી કચરા ગાડી બની મતદાન પ્રેરણાનું માધ્યમ
જામનગર જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન સાથે મતદાર જાગૃતિને જોડતો એક નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. શહેરમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન કરતી કચરા ગાડીઓ હવે માત્ર સફાઈ પૂરતી સીમિત રહી નથી, પરંતુ મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનું મહત્વપૂર્ણ સાધન બની છે.
સામાન્ય રીતે કચરા ગાડી વિસ્તારમા પ્રવેશે ત્યારે એક ખાસ ધૂન વાગે છે, જેને સાંભળતા જ આસપાસના નાગરિકો પોતાના ઘરના કચરાને ગાડીમાં નાંખવા માટે બહાર આવે છે. આ જ પ્રભાવશાળી માધ્યમનો ઉપયોગ કરીને ચૂંટણી તંત્રએ હવે મતદાર જાગૃતિ માટે વિશેષ ઓડિયો ક્લિપ તૈયાર કરી છે.
આ ઓડિયો ક્લિપમાં નાગરિકોને આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા, લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવવાની અને વધુમાં વધુ મતદાન નોંધાવવા માટે પ્રેરિત કરતો સંદેશો આપવામાં આવ્યો છે. કચરા ગાડીઓમાં આ સંદેશાઓ પ્રસારિત થતાં નાગરિકોમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
જામનગર જિલ્લા કલેકટર અને મુખ્ય ચૂંટણી અધિકારી પરિમલ પંડ્યા કે જેઓએ આ નવતર અભિગમ અપનાવ્યો છે. આ પ્રયાસ સ્વચ્છતા અને લોકશાહી બંને ક્ષેત્રે જાગૃતિ લાવવાનું અનોખું સંકલન છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા આ અભિયાનથી મતદાન ટકાવારીમાં વધારો થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.