↵દરિયાકાંઠાના વિસ્તારોમાં તા. ૧૮ સુધી ગરમ-ભેજવાળુ વાતાવરણ અકળાવશે
સૌરાષ્ટ્ર કચ્છ માટે આજે હીટ વેવની કોઈ ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી નથી. રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન સોમવારે ૪૦ ડિગ્રીને પાર કરી ગયું હતું પરંતુ મંગળવારે આવા શહેરોની સંખ્યા ઘણી ઘટી ગઈ છે. ૪૨ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સમગ્ર રાજ્યમાં હોટ સીટી બની ગયું છે. અમદાવાદમાં ૪૧.૪, જામનગરમાં ૩૬, વડોદરામાં ૪૦.૪ અને ગાંધીનગરમાં ૪૦.૮ ડીગ્રી મહત્તમ તાપમાન હતું તે સિવાય સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીથી નીચે આવી ગયો છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ જેવી સિસ્ટમના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં હજુ તારીખ ૧૮ સુધી ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે તેના કારણે લોકોને અકળામણ અને બેચેની વધી જશે. આ વાતાવરણના કારણે આગામી તારીખ ૧૯ અને ૨૦ આસપાસ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર સહિતના જિલ્લાઓમાં માવઠા માટેની શક્યતા છે. આ ઉપરાંત ર્નો ઈસ્ટ, વેસ્ટર્ન હિમાલયન રિજીયનમાં પણ માવઠાની શક્યતા છે.
દરિયાકાંઠાના વિસ્તારોના મહત્તમ તાપમાનની વાત કરીએ તો ગઈકાલે ભાવનગરમાં ૩૯ ભુજમાં ૩૯ દ્વારકામાં ૩૧.૩ કંડલામાં ૩૬.૬ નલિયામાં ૩૫ ઓખામાં ૩૩ પોરબંદરમાં ૩૩.૮ ડીગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. સુરતમાં ૩૯.૮ અને વેરાવળમાં ૩૨ ડિગ્રી મહત્તમ તાપમાન ગઈકાલે નોંધાયું હતું.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે તેલંગાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, રાજસ્થાન અને ઝારખંડ જેવા અનેક રાજ્યોમાં આગામી તારીખ ૧૯ સુધી હિટવેવ માટેનુ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે આગામી તારી ૧૮ સુધી નોર્થ વેસ્ટ ના રાજ્યોમાં ચારથી પાંચ ડિગ્રી, મધ્ય ભારત અને પૂર્વના રાજ્યોમાં બે થી ચાર ડિગ્રી, મહારાષ્ટ્રમાં બે થી ત્રણ ડિગ્રી અને દક્ષિણના રાજ્યોમાં પણ બે થી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધશે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ગરમી અત્યારે પણ ઘણી વધારે છે. ગઈકાલે સમગ્ર દેશમાં સૌથી ઊંચું તાપમાન મહારાષ્ટ્રના આકોલા અને કર્ણાટકના કલબૂરગી શહેરમાં ૪૪ ડિગ્રી નોંધાયું હતું.