જામનગરની સંસ્થા ‘સેતુ શેર એન્ડ કેર ફાઉન્ડેશન’નું રાજ્યકક્ષાએ ભવ્ય સન્માન
માનવતા અને સમર્પણનો અજોડ સેતુ: માત્ર રૂ. ૫ માં ૧૪ લાખથી વધુ લોકોને સન્માનભેર ભોજન કરાવનાર
આ સંસ્થા કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે સરકાર પાસેથી કોઈ પણ પ્રકારનું નાણાકીય કે અન્ય દાન સ્વીકારતી નથી, સંપૂર્ણપણે સ્વનિર્ભર સેવા
જામનગરની પવિત્ર ધરા પર સેવાની સુવાસ ફેલાવતી અને અસહાયોનો સાચો સહારો બનેલી સુપ્રસિદ્ધ સંસ્થા સેતુ શેર એન્ડ કેર ફાઉન્ડેશનના નામે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના સફળ અને ગૌરવશાળી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે જામનગરના ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક ભવ્ય અને ગરિમામય વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિશેષ અવસરે સેતુ શેર એન્ડ કેર ફાઉન્ડેશનને તેની વર્ષોની નિ:સ્વાર્થ અને ઉત્કૃષ્ટ માનવ સેવા બદલ રાજ્યના શિક્ષણમંત્રી શ્રીમતી રીવાબા જાડેજાના વરદ હસ્તે એવોર્ડ એનાયત કરી ભારે સન્માનિત કરવામાં આવી હતી. સંસ્થાના સ્થાપક શ્રી તેજસભાઇ મારૂ કોઇ કારણોસર ઉપસ્થિત ન રહી શકતાં, સંસ્થા વતી આ ગૌરવશાળી એવોર્ડ સ્થાપક સભ્ય શ્રી મેહુલભાઈ જોબનપુત્રાએ સ્ટેજ પર ઉપસ્થિત રહી ભાવભેર સ્વીકાર્યો ત્યારે સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. આ ગૌરવવંતા પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તેમજ જિલ્લાના પ્રભારીમંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ધારાસભ્યો સર્વશ્રી દિવ્યેશ અકબરી, મેઘજીભાઇ ચાવડા, પૂર્વમંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ, મેયર શ્રી મોનિકાબેન વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ શ્રીમતી બીનાબેન કોઠારી, મ્યુનિ. કમિશ્નર શ્રી દીપેશ કેડિયા, ગુજરાત લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઇ લાલ સહિતના અનેક ઉચ્ચ રાજકીય અને સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સંસ્થાની કામગીરીને મુક્ત કંઠે બિરદાવી હતી.
આ એવોર્ડ અને સન્માન સેતુ ફાઉન્ડેશનની એ અવિરત સેવા યાત્રાની સ્વીકૃતિ છે જેની શરૂઆત નવેમ્બર ૨૦૨૦ માં થઈ હતી. વર્ષ ૨૦૨૦ માં તેજસભાઇ મારૂના ઉત્તમ વિચારો થકી સેવાકિય સંસ્થાની શઆત થઇ હતી, હાલ એકથી નવ જેટલી શાખાઓની અવિરત સેવા વરસી રહી છે. વૈશ્વિક દૃષ્ટિકોણ અને સેવાનો ભાવ ધરાવતા જામનગરના પ્રતિષ્ઠિત મારૂ, ગઢિયા અને જોબનપુત્રા પરિવારે પોતાના આપ્તજનોના વિયોગના અસહ્ય અને ઊંડા દુ:ખને એકલતામાં વેડફવાને બદલે તેને પ્રચંડ સમાજસેવામાં પરિવર્તિત કરવાનો અદ્દભુત સંકલ્પ કર્યો.
‘પરોપકારાર્થં ઇદં શરીરં’ અર્થાત આ જીવન માત્ર પરોપકાર માટે જ છે, એ શાશ્ર્વત સંસ્કૃત સૂત્રને હૃદયમાં ધારીને આ પરિવારો એક થયા અને જામનગરમાં કોઈ પણ મહેનતકશ શ્રમિક કે જરૂરિયાતમંદ વ્યક્તિ ભૂખ્યા ન સૂવે તેવા પરમ કલ્યાણકારી ધ્યેય સાથે સેતુ અન્નપૂર્ણા પ્રકલ્પનો પ્રારંભ કર્યો. સંસ્થાના પાયામાં શ્રી તેજસ મારૂ, શ્રી મેહુલ જોબનપુત્રા, શ્રીમતી ફ્રિપા પેથડ, શ્રી મિતેશ ગઢિયા તથા શ્રી આશિષ મારૂની વર્ષ ૨૦૨૦થી દિવસ-રાત જોયા વગરની અવિરત મહેનત, નિ:સ્વાર્થ સેવા અને અપ્રતિમ સમર્પણ રહેલું છે, જે આજે આ સંસ્થાની મજબૂત આધારશિલા બની ચૂક્યું છે.
આ સંસ્થાની સૌથી મોટી અને આશ્ચર્યજનક વિશેષતા એ છે કે આજના આ મોંઘવારીના કપરા સમયમાં પણ તેઓ માત્ર રૂ. ૫/- જેવી નજીવી કિંમતે શ્રમિકો અને ગરીબોને અત્યંત પૌષ્ટિક વેજિટેબલ દાળ અને પ્રીમિયમ બાસમતી ચોખાનું શુદ્ધ, સાત્વિક અને ગરમાગરમ ભોજન પૂરું પાડે છે. અહીં કોઈ જ્ઞાતિ-જાતિના ભેદભાવ નથી, કોઈ ઓળખપત્રની જરૂર નથી, અહીં માત્ર માનવતા અને સન્માન સાથે ભોજન પીરસવામાં આવે છે.
માત્ર ૬ વર્ષના ગાળામાં એક નાનકડા કેન્દ્રથી શરૂ થયેલી આ સફર આજે જામનગરના ખૂણે-ખૂણામાં વિસ્તરીને ૦૯ અદ્યતન સેવા કેન્દ્રો સુધી પહોંચી ગઈ છે. આ કેન્દ્રો પરથી દરરોજ ૧,૫૦૦ થી ૧,૮૦૦ ભોજનની થાળીઓ અને દર મહિને આશરે ૪૦,૦૦૦ થી ૪૫,૦૦૦ થાળીઓ પીરસાય છે. આ અવિરત યજ્ઞના પ્રતાપે સંસ્થાએ અત્યાર સુધીમાં ૧૪ લાખથી વધુ લોકોને ખૂબ જ આદરપૂર્વક ભોજન કરાવી તૃપ્ત કર્યા છે, જે પોતાનામાં જ એક મોટો ઈતિહાસ છે.
સેતુ શેર એન્ડ કેર ફાઉન્ડેશનની સર્વોત્તમ અને પ્રશંસનીય બાબત એ છે કે આટલો વિશાળ અને કરોડો રૂપિયાનો ભગીરથ પ્રોજેક્ટ સંપૂર્ણપણે સ્વનિર્ભરતાથી ચાલે છે. આ સંસ્થા બહારના કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે સરકાર પાસેથી કોઈ પણ પ્રકારનું નાણાકીય કે અન્ય દાન સ્વીકારતી નથી. તમામ ખર્ચ સ્થાપક પરિવારો પોતે જ વહન કરે છે, જે આજના સ્વાર્થથી ભરેલા યુગમાં નિ:સ્વાર્થ પરમાર્થનું ઉત્કૃષ્ટ અને જીવંત ઉદાહરણ છે.
વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં હાજર રહેલા તમામ મંત્રીશ્રીઓ અને અગ્રણીઓએ સેતુ ફાઉન્ડેશનની આ દૈવી કામગીરીને સાષ્ટાંગ પ્રણામ કરી બિરદાવી હતી અને કહ્યું હતું કે આવી સંસ્થાઓના કારણે જ સમાજમાં માનવતાના મૂલ્યો આજે પણ જીવંત છે. ખરેખર, સેતુ ફાઉન્ડેશન એ સર્વજન હિતાય, સર્વજન સુખાય ના પવિત્ર ધ્યેયને સાર્થક કરતો સમાજનો એક સાચો અને મજબૂત સેતુ સાબિત થયો છે અને આ રાજ્ય કક્ષાનું સન્માન મળવા બદલ સમગ્ર જામનગરવાસીઓ સંસ્થાની આખી ટીમને ગૌરવભેર અભિનંદન પાઠવી રહી છે.