જામનગરમાં યુવાન પાસે રાક્ષસી વ્યાજ વસુલતા ચાર શખ્સો

  • April 08, 2026 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં યુવાન પાસે રાક્ષસી વ્યાજ વસુલતા ચાર શખ્સો


૧૦ થી ૩૦ ટકાના વ્યાજે ૪૧.૫૦ લાખ લીધા : અલગ અલગ વ્યાજ ચુકવ્યુ છતા પઠાણી ઉઘરાણી: ૪૦ ચેક કઢાવી લઇ ધમકી દીધી


જામનગરમાં ફરી વ્યાજખોરોએ માથુ ઉચકયુ છે, ૩ અલગ અલગ ફરીયાદો દાખલ થયા બાદ વધુ એક વ્યાજ વટાવની ફરીયાદ દાખલ થઇ છે જેમાં કડીયાકામ કરતા યુવાન પાસેથી રાક્ષસી વ્યાજ વસુલી તેમજ વ્યાજ આપી દેવા છતા બળજબરીથી ૪૦ જેટલા ચેક કઢાવી લઇ પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી દેતા મામલો પોલીસમાં લઇ જવાયો છે જયાં ૪ શખ્સ વિરુઘ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. 


જામનગરના સાંઢીયાપુલથી આગળ ગુણાતીતનગરમાં રહેતા કડીયાકામ કરતા સંજય રણમલભાઇ નકુમ (ઉ.વ.૨૭) નામના યુવાને આરોપીઓ પાસેથી અલગ અલગ તારીખ સમયે ૧૦ થી ૩૦ ટકાના વ્યાજે કુલ રૂ.૪૧.૫૦ લાખ લીધા હતા જેના બદલામાં ફરીયાદીની સહીવાળા કોરા ચેક મેળવી તેમજ તેની પાસેથી આરોપી દિવ્યરાજસિંહને ૨ લાખ, મયુરસિંહને ૧.૩૦ લાખ તથા સહદેવસિંહને ૧.૬૦ લાખ અને કરણસિંહને ૭ લાખ પરત વ્યાજના આપી દીધા હતા.


તેમ છતા આરોપીઓ ફરીયાદી સંજયને ફોન ઉપર અને રૂબરૂ મળી જાનથી મારી નાખવાની ધમકી આપી વ્યાજની રકમ તેમજ અલગ અલગ બેન્કના કોરા ચેક કુલ ૪૦ જેટલા બળજબરીથી કઢાવી લઇ એકબીજાને મદદગારી કરી હતી. બાકીના રૂપીયા તથા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી વ્યાજ ન આપે તો ફરીયાદીને જાનથી મારી નાખશી તેવી ધમકી દઇને ફરીયાદી પાસેથી રાક્ષસી વ્યાજ વસુલ કર્યુ હતું. 


દરમ્યાનમાં સંજયભાઇ નકુમ દ્વારા ગત રાત્રીના સીટી-સી ડીવીઝનમાં દિવ્યરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા તથા કરણસિંહ જાડેજા રહે. બધા જામનગરની વિરુઘ્ધ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૦૮(૫), ૩૫૨, ૫૪ તથા ગુજરાત મનીલેન્ડર્સ એકટ કલમ ૩૯,૪૦,૪૧,૪૨ મુજબ ફરીયાદ નોંધાવી છે. જેની તપાસ પીએસઆઇ એન.એમ. ઝાલા ચલાવી રહયા છે.

​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application