ભાણવડની તપોવન વિશ્ર્વ વિદ્યાલયમાં ચાર ગ્રંથોનું વિમોચન
ધારાસભ્ય મુળુભાઇ હરદાસભાઇ બેરા સ્પોર્ટસ સંકુલનું કરાયું લોકાપર્ણ
ભાણવડ નજીક બરડા ડુંગરની ગોદમાં આવેલ તપોવન વિશ્ર્વ વિદ્યાલય ખાતે ચાર ગ્રંથોનો વિમોચન, વિદ્યાર્થીઓ માટે બસ સેવા અને મુળુભાઇ હરદાસભાઇ બેરા સ્પોર્ટસ સંકુલનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઇતિહાસકાર નરોતમભાઇ પલાણ, રાજકોટના સમણ શ્રુતપ્રજ્ઞજી તેમજ ધારાસભ્ય મુળુભાઇ બેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં સ્વાગત પ્રવચનમાં તમામને આવકારવામાં આવ્યા હતા, ત્યારબાદ ઇતિહાસકાર નરોતમભાઇ પલાણે તપોવન વિશ્ર્વ વિદ્યાલયના આંગણે જ્ઞાનદીપ, વીર હનુમાન આરોગ્ય કથા, એક શામ શહીદો કે નામ અને ઘુમલીના ઇતિહાસ અંગેના પુસ્તકોનો એકીસાથે વિમોચન સમારોહ અંગે ખુશી વ્યક્ત કરી હતી, તેમજ ઘુમલી ઇતિહાસ સહિત એક એક પથ્થરમાં આગવી ઓળખ અપાઇ હોવાનું પણ જણાવ્યું હતું, જ્યારે વીર હનુમાન આરોગ્ય કથાના લેખક ડો. તુલસીદાસ કનેરીયાએ વર્તમાનમાં લોકોમાં બિમારીનું પ્રમાણ વધતું જાય છે તે અંગે ચિંતા વ્યક્ત કરી તેમણે ભાગવત કથા કરતા આરોગ્ય કથાની વિશેષ જરૂરીયાત જણાવી હતી. ડો. કનેરીયાએ સ્વસ્થ જીવન જીવવા માટે એકવાર વીર હનુમાન આરોગ્ય કથાનું પઠન કરવાની વાત પર ભાર મૂક્યો હતો.
આ તકે ખાસ ઉપસ્થિત સમણ શ્રુતપ્રજ્ઞજીએ બરડા ડુંગરની ગોદમાં શાળા શરૂ કરવા માટે સરકાર જમીન આપે તો દાતા તૈયાર હોવાની વાત કરી હતી, જો કે આ તકે ઉપસ્થિત ધારાસભ્ય મળુભાઇ બેરાએ વાતને સ્વીકારી હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો, તેમજ સાહિત્યકાર હરેશભાઇ ધોળકીયાએ ભાણવડના તમામ મંદિરોના પૂજારી, મસ્જીદોના મૌલવી અને સત્સંગ મંડળની બહેનોનું તપોવન વિશ્ર્વ વિદ્યાલય અને પુષાર્થ શૈક્ષણિક સંકુલ દ્વારા સન્માન કરાયું હતું. આ માટે તેમને સંસ્થાના પ્રમુખ અને શિક્ષણપ્રેમી ભીમશીભાઇ કરમુરને બિરદાવ્યા હતા.
ધારાસભ્ય મુળુભાઇ બેરાએ યોજાયેલ કાર્યક્રમની મુક્તકંઠે પ્રશંસા કરી અને આયોજકોને બિરદાવ્યા હતા, કાર્યક્રમમાં ઠેર ઠેરથી મહાનુભાવો, આગેવાનો તેમજ સરકારી અધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.