જામનગર શહેરમાં દેશી દારૂ અંગે ડ્રાઇવ યથાવત
ચાર સ્થળે દરોડામાં દારૂ, આથો અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા
જામનગર શહેરમાં બાવરીવાસ સહિતના વિસ્તારોમાં દેશી દારૂ અંગે તપાસ કરવામાં આવી રહી છે, ગઇકાલે વધુ ચાર કેસ નોંધાવમાં આવ્યા હતા.
જામનગરના સીટી-સી ડીવીઝન પીઆઇ ડાભીની સુચનાથી સ્ટાફ દ્વારા બાવરીવાસ વિસ્તારમાં દેશી દારૂના વેચાણ સબબ ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, દરમ્યાનમાં જાગૃતીનગર બાવરીવાસમાં રહેતી ગોદાવરીબેન પ્રવિણ ચૌહાણના ઝુપડેથી ૧૫ લીટર દેશી દારૂ ૧૧૦ લીટર આથો અને ચાલુ ભઠ્ઠીના સાધનો, ગુજરીબેન રણછોડને ત્યાથી ૫ લીટર દારૂ, ૮૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો તથા આરતીબેન શુકલ વઢીયારને ત્યાથી ૧૦ લીટર દારૂ, ૮૦ લીટર આથો અને સાધનો મળી આવ્યા હતા.
ઉપરાંત દિ.પ્લોટ ૪૯માં રહેતા સોમુ સગા રવશીને સત્યમ કોલોની અન્ડરબ્રીજ પાસે મોટરસાયકલમાં ૩૦ લીટર દેશી દારુ લઇને નીકળતા પકડી લીધો હતો અને ૫૬ હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો, જયારે દારૂ આપનાર વુલનમીલ ફાટક બાવરીવાસમાં રહેતા રવિ બાવરીનું નામ ખુલ્યુ હતું.