જામનગરમાં હવે ચર્ચાઓ શરૂ, કોણ બનશે મેયર, કોણ બનશે ચેરમેન

  • April 29, 2026 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં હવે ચર્ચાઓ શરૂ, કોણ બનશે મેયર, કોણ બનશે ચેરમેન


ભારતીય જનતા પાર્ટી અનુભવીને બેસાડે છે કે પછી કોઇ નવાને તક આપે છે એ બાબતને લઇને ગણતરીઓ શરૂ થઇ : પાંચ પદાધિકારીઓની રેસ માટે અનેક દાવેદાર હોવાની શકયતા: જ્ઞાતી સહિતના જોવાતા સમીકરણો : હાઇ કમાન્ડ તરફ સૌની નજર 



જામનગર મહાનગરપાલીકામાં આ વખતે બમ્પર જીત સાથે ભાજપે પોતાનું રાજ જાળવી રાખ્યું છે અને સાતમી વખત સત્તા હાંસલ કરવામાં સફળતા મેળવી છે, ભાજપે કિલન સ્વીપ કરીને વિપક્ષની છાવણી સાવ રહેવા જ દીધી ન હોય એવી સ્થીતી સર્જાઇ છે, ત્યારે હવે સત્તાની ગલીયારીઓમાં કોણ બનશે મેયર અને કોને અપાશે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પદનો તાજ એ ચર્ચાઓ આંધીના રૂપમાં ચાલી રહી છે, કહેવાય છે કે પાંચ પદાધિકારીઓની રેસ માટે અનેક દાવેદારો અંદરખાને જોર લગાવી રહયા છે, જોવાનું એ છે કે ભાજપની હાઇ કમાન્ડ કોના સપનાને સાકાર કરે છે.


ગઇકાલે સાંજથી જ ભાજપમાં અંદરખાને હોદાઓને લઇને ગણગણાટ શરૂ થઇ ગયો છે, કુલ ૬૪ બેઠકમાંથી ૬૦ બેઠકો ભાજપે જીતી છે અને તમામ વાતોને ગપગોળો સાબિત કરી દીધી છે, જે કપાયેલા અનુભવીઓ હતા એમને લઇને એવી વાતો ચલાવાતી હતી કે ભાજપે ૫૦ નવા ઉમેદવાર ઉતાર્યા હોવાથી આ વખતે બેઠકો કપાશે, કોઇ કહેતા હતા ૪૧, ૪૨ મળશે, કોઇ કહેતા હતા ૪૫, ૪૬ મળશે, શરતબજારમાં પણ આજ પ્રકારના દાવા થતા હતા, ગઇકાલે પરિણામ આવ્યા બાદ આ તમામ વાતો માત્ર ગપગોળો સાબિત થઇ હતી અને નુકશાનીના બદલે ભાજપને ફાયદો થયો છે.


ભાજપે સાબિત કરી આપ્યું  છે કે જયાં સુધી ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે છે ત્યાં સુધી ચહેરાનું મહત્વ નથી અને માત્રને માત્ર સિમ્બોલ એટલે કે કમળની જ કરામત છે, પક્ષ આવું વિચારતું હોય તો કાંઇ ખોટુ પણ નથી કારણ કે પરિણામ એ જ રીતે આવ્યા છે.
હવે જયારે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે ત્યારે સ્વાભાવીક રીતે ભારતીય જનતા પાર્ટીમાં હોદા મેળવવા માટે પણ હોડ લાગશે અને એમ કહો કે લાગવાનું શરૂ થઇ ગયું છે, આ વખતે મેયરપદની ટર્મ સામાન્ય મહિલાની છે એટલે જોવાનું એ રહે છે કે ભાજપની હાઇ કમાન્ડ આ મહત્વના પદ પર કયા ચહેરાને તક આપશે, સ્વાભાવીક રીતે સ્થાનીક નેતાઓ તરફથી પોતપોતાની રીતે નામના સુચન કરવામાં આવશે ત્યારે પ્રદેશ હાઇ કમાન્ડ કોના નામને ગંભીરતાથી લે છે તેનો જવાબ આગામી દિવસોમાં મળી જશે.


સ્ટેન્ડીંગ કમિટીનું ચેરમેન પદ પણ અત્યંત મહત્વનું માનવામાં આવે છે, આ ૫દ મેળવવા માટે પણ જે વિજેતા થયા છે તેમાથી શકિતશાળીઓ પુરૂ જોર લગાવશે, અહીં એ પણ જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી અનુભવીને ચેરમેન પદ આપે છે કે કોઇ નવા ચહેરાને તક આપે છે, આ સિવાય ડેપ્યુટી મેયર પદ, શાસક પક્ષના નેતા અને દંડક આ તમામ પાંચ હોદા માટે જીતેલા તમામ ૬૦ ચહેરા તરફથી પોતાના બાવડાનું બળ લગાડી દેવામાં આવશે.


ભાજપની કાર્ય પઘ્ધતિ હવે બધા માટે જાણીતી બની ગઇ છે, નામ કોઇ ચર્ચાતા હોય અને પદ કોઇને મળે એવું અસંખ્ય વાર થઇ ચુકયું છે એટલે કોઇપણ નામની ચર્ચા કરવી નિરર્થક ગણાશે, ભાજપ હંમેશા સરપ્રાઇઝ આપતા નિર્ણયો લઇને બધાને ચોકાવતું રહયુ છે અને આ વખતેના પદાધિકારીઓના નિર્ણયમાં પણ ભાજપની હાઇ કમાન્ડ કદાચ ચોકાવતા નિર્ણયો લઇ શકે.


પાછલી ટર્મમાં ખાસ કરીને બીજા અઢી વર્ષ માટે જયારે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પદની વાત હતી તેના માટે છેલ્લી ઘડી સુધી ફાઇટ ચાલી હતી, એક વખત નામ પણ આવી ગયું હતું, છેલ્લી મિનિટોમાં આ નામ બદલાયું હતું તેનાથી સૌ વાકેફ છે એટલે આ વખતે પણ જયાં સુધી બંધ કવરમાં નામ ન આવી જાય અને શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી નામની જાહેરાત ન કરે ત્યાં સુધીમાં પદાધિકારીઓના મુદ્દે ભર્યુ નાળીયેર જ રહેશે.  


વિપક્ષના બે નગરસેવકો જેલમાં: બે મહિલાઓના હાથમાં કમાન્ડ...
વિપક્ષની છાવણીમાં ગણતરીના ચાર ચહેરા બચ્યા છે, બે કોંગ્રેસના છે અને બે આમ આદમી પાર્ટી, આ ચાર પૈકી અલ્તાફ ખફી અને અસલમ ખીલજી ગુજસીટોક હેઠળ જેલમાં છે, કયારે બહાર આવે એ નકકી નથી ત્યારે બાકી બચેલી બે નગરસેવીકા આમ આદમી પાર્ટીના ઝેનબ ખફી અને કોંગ્રેસના સહારાબેન મકવાણાના હાથમાં વિપક્ષનો કાર્યભાર રહેશે.


એકતરફી ચુકાદો : વિપક્ષનો સફાયો
મહાનગરપાલીકાની ચુંટણીમાં આ વખતે મતદાતાઓએ સંપુર્ણ રીતે એક તરફી ચુકાદો આપી દીધો છે, ભાજપ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે અને જે રીતે બેઠકો વધી છે તેને જોતા ભાજપ તરફી જનાદેશમાં વધારો દેખાયો છે, પરંતુ એક ચિંતન કરવા જેવી બાબત એ પણ છે કે વિપક્ષનો જાણે સંપુર્ણ સફાયો થઇ ગયો છે, પક્ષની દ્રષ્ટીએ ભાજપની આ બમ્પર જીતને કોઇ નકારી શકે નહીં પરંતુ લોકશાહીની દ્રષ્ટીએ વિપક્ષનું નામોનિશાન જ ન રહે એ બાબત થોડી ચિંતાજનક છે.


વિપક્ષના કાર્યાલય પર પાંચ વર્ષ રહેશે તાળા..?
મહાનગરપાલીકામાં આ વખતે વિપક્ષનું નેતા પદ જ મળવાની કોઇ શકયતા નથી કારણ કે નિયમ મુજબ ૬૪માંથી કમસે કમ ૬ થી ૮ બેઠક જીતવી અનિવાર્ય હોય છે અને એટલી બેઠક વિપક્ષને મળી ન હોવાથી વિપક્ષનું નેતા પદ ખાલી રહેશે અને પરિણામે જામ્યુકોના વિપક્ષના કાર્યાલય પર પાંચ વર્ષ તાળા રહેશે એવું કહી શકાય, ભાજપ પણ જો વિપક્ષનું નેતા પદ આપવાનો નિર્ણય લે તો વિપક્ષના બંને પક્ષની બે-બે બેઠક છે એટલે કોને આપવું એ સવાલ ઉઠે અને લગભગ તો ભાજપ વિપક્ષના નેતા પદ માટે કદાચ મંજુરી આપશે જ નહીં.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application