જામનગરમાં સોની વેપારી સાથે વિશ્ર્વાસઘાત કર્યાની એક શખ્સ વિરૂઘ્ધ ફરીયાદ
ફાઇનાન્સમાં અપાવેલ લેપટોપ, સાઉન્ડ સિસ્ટમ તથા પહેરવા લઇ ગયેલ ચેનની ઠગાઇ
જામનગરમાં સોની યુવાન સાથે પરિચય કેળવ્યા બાદ લેપટોપ ફાઇનાન્સમા લઇ ઉપરાંત સાઉન્ડ સિસ્ટમ લઇ હપ્તા નહી ભરી તેમજ લગ્નમાં પહેરવા માટે લઇ ગયેલ ફરીયાદીનો સોનાનો ચેઇન પરત નહી આપી વિશ્ર્વાસઘાત કર્યાની તેમજ આ મામલે ધમકી દીધાની તળાવફળીમાં રહેતા એક શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના પંચેશ્ર્વર ટાવર કચેરી ફળીમાં આવેલ સોની ડેલીમાં રહેતા અને સોની કામ કરતા હિમાંશુ જયંતીલાલ વજાણી (ઉ.વ.૩૪) નામના યુવાને સીટી-એમાં ગઇકાલે આણદાબાવા ચકલો, તળાવફળી ખાતે રહેતા જીજ્ઞેશ ઉર્ફે જીગો દિનેશ સોલંકી નામના શખ્સ સામે વિશ્ર્વાસઘાત કર્યાની ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદી હીમાંશુભાઇ આરોપી જીગો એકબીજાને પાંચેક વર્ષથી ઓળખતા હોય દરમ્યાન ગત તા. ૧૧-૧૦-૨૫ના સમયગાળામાં ફરીયાદી ચાંદીબજાર ખાતે આવેલ રિઘ્ધી સિઘ્ધી જવેલર્સ નામની પોતાની દુકાને બેઠા હતા ત્યારે જીગો ત્યાં આવીને કહેલ કે મારી પાસે રૂપીયા નથી મારા દિકરાને લેપટોપ લેવુ છે જેથી ફરીયાદી અંબર ચોકડી પાસેથી એક લેપટોપ કિ. ૯૯૯૯૯ વાળુ ફાઇનાન્સમાં અપાવેલ હતું.
ત્યાર બાદ ગત તા. ૨૧-૧૦-૨૫ના રોજ ફરીયાદી પાસેથી આરોપી ફરીયાદીનો સોનાનો ૧૦ ગ્રામ ૩૦૦ મીલી વજનનો ચેન લગ્નમાં પહેરવાનુ કહીને લઇ ગયો હતો, ત્યારબાદ ૧૨-૧૧-૨૫ના રોજ ફરીયાદીના નામે શોરૂમમાંથી સાઉન્ડ સિસ્ટમ ફરીયાદીએ પોતાની બેંકલોનમાંથી કરી આપી હતી. આરોપીને સાઉન્ડ સિસ્ટમ અપાવેલ અને આ લોનના હપ્તા આરોપીએ ભરવાનુ નકકી થયુ હતું.
દરમ્યાનમાં આરોપી જીજ્ઞેશે લેપટોપનો રૂ. ૩૫૦૦નો પહેલો હપ્તો ભરેલ હોય બાદમાં ફરીયાદીએ લોનના હપ્તા ભરવાનુ કહેતા હપ્તા નહી ભરવાનુ જણાવ્યુ હતું તેમજ ચેન નહી આપી અપશબ્દો બોલી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી દઇ વિશ્ર્વાસઘાત કર્યો હતો જે ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી.