જામનગરના વિકાસ મુદ્દે જામસાહેબ અને હાઇવુડ્સ ઇન્ફ્રાસ્પેસ વચ્ચેના એમઓયુ અંગે સ્પષ્ટતા
જામનગરના વિકાસ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દે જામસાહેબ અને હાઇવુડ્સ ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે થયેલ મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ એમ.ઓ.યૂ. અંગે વધુ એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે.
આ સ્પષ્ટતા મુજબ એમ.ઓ.યૂ. હેઠળ આવતી તમામ મિલ્કતો વિકાસ માટે હાઇવુડ્સ ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવી છે. સાથે જ જામસાહેબને આ મિલ્કતોના દસ્તાવેજોના આધારે અન્ય વિકાસ પ્રોજેક્ટ્સ માટે ફંડ એકત્રિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે આ ફંડ એકત્રિત કરવાની પ્રક્રિયા હાઇવુડ્સ દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસ કાર્યોમાં કોઈપણ પ્રકારની અડચણ ઉભી કરશે નહીં.
દસ્તાવેજમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફંડ રેઇઝિંગ પ્રક્રિયા હાઇવુડ્સ કંપની પર કોઈ આર્થિક કે અન્ય પ્રકારનો બોજ ઊભો કરતી નથી. વિકાસ કામગીરી અને ફંડ એકત્રિત કરવાની બંને પ્રક્રિયાઓ પરસ્પર સ્વતંત્ર રીતે અને સુચારૂ રીતે આગળ વધી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
જામસાહેબ દ્વારા આપવામાં આવેલી મિલ્કતો લગભગ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું પણ જણાવાયું છે. આ પ્રક્રિયામાં માત્ર કાનૂની જરૂરીયાત મુજબ દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. કેટલીક મિલ્કતોમાં માર્કેટ વેલ્યુના અંદાજે માત્ર ૩ ટકા જેટલા દરે દસ્તાવેજીકરણ થયું હોવાનું દસ્તાવેજમાં દર્શાવવામાં આવ્યું છે, જે સામાન્ય વેચાણ નહીં પરંતુ કાનૂની પ્રક્રિયાનો એક ભાગ હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
અંતમાં જામસાહેબે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રક્રિયામાં અદાણી ગ્રૂપ સાથેનો સંબંધ કોઈ નાણાકીય હેતુથી નહીં પરંતુ જામનગરના સર્વાંગી વિકાસ અને સુધારા માટે સ્થાપિત કરવામાં આવ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે અને સ્પષ્ટ સમજણ સાથે આગળ વધી રહી છે.