ગઇકાલે ફરીથી દરબારગઢ, બર્ધનચોક વિસ્તારમાં રેકડી-પથારાવાળાઓને હટાવાયા

  • October 30, 2024 11:37 AM 

3 સ્થળોએ લાયસન્સ વિના ફટાકડા વેંચતા વેપારીઓ સામે કાર્યવાહી: થોડીવાર નાસભાગનો માહોલ


જામનગર શહેરમાં બર્ધનચોક વિસ્તારમાં અવારનવાર ટ્રાફિક જામ થઇ જાય છે, પોલીસ, કોર્પોરેશન દ્વારા અનેક વખત કાર્યવાહી કરવામાં આવે છે અને થોડીવાર કાર્યવાહી બાદ ફરીથી બર્ધનચોકમાં રેંકડી-પથારાવાળા ગોઠવાઇ જાય છે, વર્ષોથી કોર્ટના આદેશ બાદ પણ આ જ પ્રકારનો માહોલ જોવા મળે છે, ગઇકાલે ફરીથી દિવાળીના તહેવારોના લીધે ટ્રાફિક જામ થઇ જતાં કોર્પોરેશન અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં 8 રેકડી અને 18 પથારાવાળા અને 8 જેટલા સ્ટેચ્યુ જપ્ત કરવામાં આવ્યા હતાં.


બર્ધનચોક વિસ્તારમાં લોકો આવનજાવન કરી શકે તે માટે કોર્પોરેશન દ્વારા અવારનવાર ડ્રાઇવ કરવામાં આવે છે, આ રોડ ડીપી કપાતમાં આવતો હોય વર્ષોથી કપાતની કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ફુટપાથો પર દબાણ હોવાના કારણે લોકો ચાલી શકતા નથી તે પણ હકીકત છે. બીજી તરફ રોજેરોજનું કમાતા નાના ધંધાર્થીઓેને પણ તહેવારોમાં ધંધો કરવા દેતા નથી તેવી ફરિયાદો ઉઠી છે થોડે ઘણે અંશે સાચી પણ છે. ખરી રીતે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી.


ગઇકાલે એસ્ટેટ અધિકારી મુકેશ વરણવાની સુચનાથી નિતીન દિક્ષીત, અનવર ગજણ, સીટી-એના પીએસઆઇ રાઠોડ તથા અન્ય સ્ટાફે બર્ધનચોક, લીંડી બજાર માર્કેટથી માંડવી ટાવર, હવાઇચોક, દિ.પ્લોટ પોલીસ ચોકી સર્કલ સુધી ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી હતી જેમાં 3 સ્થળોએ તો લાયસન્સ વિના ફટાકડા વેંચાતા હોય તેમનો માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો, ઉપરાંત 8 રેકડી, 8 સ્ટેચ્યુ અને 18 પથારાવાળાઓનો સામાન જપ્ત કરાયો હતો. થોડો સમય પીએસઆઇ અને એક વેપારી વચ્ચે પણ રકઝક થઇ હતી, પરંતુ પોલીસે કોઇની પણ શેહ શરમ રાખ્યા વિના કડક કાર્યવાહી ચાલું રાખી હતી. આમ ગઇકાલે થોડો સમય સુધી બર્ધનચોક વિસ્તાર ખુલ્લો દેખાયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application