ધારણાં મુજબ જામનગરમાં કાલે અંતિમ દિવસે ફોર્મ ભરવા સર્જાશે સંગ્રામ

  • April 10, 2026 06:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધારણાં મુજબ જામનગરમાં કાલે અંતિમ દિવસે ફોર્મ ભરવા સર્જાશે સંગ્રામ


ભાજપની યાદી મોડેથી જાહેર થવાની હોવાથી કોંગી પણ ઇંતજાર કરવાના મૂડમાં: બની શકે કાલે છેલ્લા દિવસે ઉમેદવારોને સીધા મેન્ડેટ આપીને ફોર્મ ભરાવવામાં આવે, કોંગ્રેસ પણ છેલ્લી ઘડીએ મેન્ડેટ આપવાની ગણત્રીમાં, કાલના દિવસે ભારે ખેંચતાણ થવાની શક્યતા.


રાજકીય પક્ષોમાં ડેમેજ કંટ્રોલ અને ટિકિટ માટે ખેંચતાણ


સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર અને ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત મહાપાલિકામાં ભારે માથાકુટ 


ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસઓની ચૂંટણીનો જંગ જામ્યો છે. ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આજે રાજ્યભરની કલેક્ટર કચેરીઓ અને નિયત કરાયેલા સ્થળો પર ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જોકે ચૂંટણી આચારસંહિતાના કડક અમલને કારણે ફોર્મ ભરતી વખતે ઉમેદવાર સાથે માત્ર ૫ વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.


ટિકિટ ફાળવણીને લઈને ભાજપ-કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ અને મોડી રાત સુધી મામણ ચાલી છે.આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હોવા છતાં, મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોના નામોની પસંદગીને લઈને હજુ પણ ’સસ્પેન્સ’ યથાવત છે. ખાસ કરીને અમદાવાદ,સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં નેતાઓ પોતાના માનીતાઓને ટિકિટ અપાવવા માટે મક્કમ રહેતા હાઈકમાન્ડ મૂંઝવણમાં મુકાયું છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઈકાલે મોડી રાત્રે મુખ્યમંત્રીના નિવાસસને પુર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્માંથિતિ મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટિકિટ ફાળવણી બાદ થઈ શકે તેવા સંભવિત ’ડેમેજ કંટ્રોલ’ અને આંતરિક જૂથવાદને ડામવા માટે લાંબી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક એક દિવસ લંબાવવામાં આવી છે, જે સૂચવે છે કે નામો નક્કી કરવામાં કેટલી મુશ્કેલી પડી રહી છે.


રાજકોટ મહાનગરપાલિકા માટે ભાજપની યાદી જાહેર ન થતા દાવેદારોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. અનેક મોટા ગજાના કદાવર નેતાઓ પણ આ વખતે ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા છે ગઈકાલે મોડી રાત્રે યાદી જાહેર થવાની અટકળો વચ્ચે અનેક કાર્યકરો અને દાવેદારોએ આખી રાત ઉજાગરો કર્યો હતો. કોનું પત્તું કપાશે અને કોની એન્ટ્રી થશે તેને લઈને અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. દરેક વોર્ડમાં અંદાજે ૧૨ સંભવિત નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે, જેમાં આખરી મહોર મારવાની પ્રક્રિયા ચાલુ છે. ઉમેદવારી પત્રમાં કોઈ કાનૂની ક્ષતિ ન રહી જાય તે માટે ભાજપ દ્વારા દરેક વિધાનસભા દીઠ કાયદાકીય નિષ્ણાતોની વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે, જે ફોર્મની ચકાસણી કરશે.હવે સૌની નજર આવતીકાલની અંતિમ ઘડીઓ પર છે, જ્યાં તમામ પક્ષો પોતાના પત્તા ખોલશે અને ખરાખરીનો જંગ શરૂ થશે.


ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસની પૂર્વ સંધ્યાએ તમામ બેઠકો પરના ઉમેદવારોના નામોની જાહેરાત રાજકીય પક્ષો દ્વારા કરી દેવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે પરંતુ આ વખતે રાજકોટ જામનગર ભાવનગર પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી લઈને મોટા પાયે માથાકૂટ ચાલતી હોવાનું જાણવા મળી રહ્યું છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હાઈ કમાન્ડ દ્વારા કંઈ પણ જગ્યાએ કાચું કપાઈ ન જાય તેવી તકેદારી રાખવામાં આવી રહી છે. 


મોબાઇલની ઘંટડી ભાજપના ઇચ્છુકોના દિલની વધારી રહી છે, ધડકન...

જયારથી એવી બાબત જાણવા મળી છે કે ભાજપ પોતાની યાદી મોડેથી જાહેર કરીને કોંગ્રેસને તક ન મળે તેની તકેદારી રાખવાની છે અને જે તે નકકી થયેલા ઉમેદવારને મોબાઇલ પર ગાંધીનગરથી ડાયરેકટ જાણ કરશે ત્યારથી જામનગરમાં પ્રબળ દાવેદારોની દિલોની ધડકન વધી ગઇ છે....જેવો મોબાઇલ આવે કે તુરંત ઉતેજના સાથે રીસીવ કરવામાં આવી રહ્યા છે બધાને એવુ છે કે ગમે ત્યારે કોલ આવી શકે છે જોઇએ સાંજ સુધીમાં કોઇને કોલ આવે છે કે નહી કે પછી આજે બપોરે યાદી જાહેર કરીને સરપ્રાઇઝ આપવામાં આવે છે, ભાજપે ઉમેદવારીનું નાળીયેર નહી ફોડીને અનેકની ઉંઘ ઉડાવી દિધી છે.


જે ભીતિ હતી, એ થવાનું છે અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાના આવતીકાલના અંતિમ દિવસે સંગ્રામ જેવી સ્થિતિ સર્જાઇ શકે છે, એક તરફ ભાજપના ૬૪ ઉમેદવાર, બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ફોર્મ ભરવા માટે કાલે ઘસારો કરે એવું લાગે છે, સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, ભાજપ આવતીકાલે મેન્ડેટ આપી શકે છે, તો કોંગ્રેસ પણ આ રસ્તે ચાલીને પોતાના ચહેરાઓને આવતીકાલે મેન્ડેટ આપે એવું નક્કી થયાનું જાણવા મળે છે, ટૂંકમાં ઉમેદવારોના ચહેરાને લઇને મુખ્ય બે રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ બંધે-બંધમાં બાજી ખેલી રહ્યા છે, આવતીકાલના મહત્ત્વના દિવસે પત્તા ખુલશે.


ગઇકાલે રાત્રે પાર્લામેન્ટ્રી બોર્ડમાં મોડે સુધી બેઠક ચાલી હોવા છતાં આજ બપોરના ૧૨-૪૫ કલાક સુધી મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોની કોઇ યાદી ભાજપ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવી નથી અને જે રીતે વાવડ મળી રહ્યા છે તેમાં એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે, ભાજપ કયા વોર્ડમાં કોને મેદાનમાં ઉતારશે...? એ બાબત ગુપ્ત રાખવા માટે ફોન દ્વારા ગાંધીનગરથી ડાયરેક્ટ જે-તે ઉમેદવારને આવતીકાલ માટે તૈયાર રહેવા સંદેશ આપી શકે છે, સ્વાભાવિક રીતે જેને ફોન આવશે, એમને વાત ગુપ્ત રાખવાની કડક સૂચના પણ મળશે.


એવું પણ બની શકે કે, ભાજપ પોતાના ઉમેદવારોના મેન્ડેટ આવતીકાલે અંતિમ દિવસે જ આપી શકે, આવી ગણત્રીઓ પણ ચાલી રહી છે, તો અધુરામાં પુરું ભાજપની યાદીનો જેને ખૂબ ઇંતેજાર છે, એવા પ્રતિસ્પર્ધી કોંગ્રેસ પક્ષ દ્વારા પણ આ રસ્તે ચાલવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળ્યું છે અને કોંગ્રેસ પોતાના ઉમેદવારોને આવતીકાલે મેન્ડેટ આપી શકે છે.


આજ સવારથી બપોર સુધી ભારે ઉત્તેજનાભર્યો માહોલ રહ્યો, તમામ લોકો કાર્યાલયે ભાજપની યાદીનો ઇંતેજાર કરીને બેઠા હતાં, મીડીયાના લોકો સ્થાનિકથી લઇને ગાંધીનગર-અમદાવાદ સુધી ભાજપના ઉમેદવારોની યાદી જાણવા માટે પ્રયત્ન કરતાં હતા અને એવું જ જાણવા મળ્યું હતું કે, ભાજપ દ્વારા એક ચોક્કસ રણનીતિના ભાગરુપે યાદીને વિલંબીત કરવામાં આવી રહી છે.


ગઇકાલે રાત્રે એવા વાવડ મળ્યા હતા કે, ભાજપની યાદી સવારે જાહેર થઇ શકે છે, આજે સવારથી જુદી જુદી રણનીતિઓ સંબંધે ચર્ચાઓ સાંભળવા મળી, અને એક એવી બાબત પણ સપાટી પર આવી કે, લગભગ બપોરે ૧-૦૦ કલાક બાદ ભાજપ પોતાના જે-તે નક્કી થયેલા ઉમેદવારોને ગાંધીનગરથી ફોન કરીને એવો સંદેશ આપશે કે, આવતીકાલે નક્કી વિજય મુહૂર્તમાં ઉમેદવારીપત્ર ભરવાનું છે અને એ માટેની તૈયારી રાખવામાં આવે.


અત્રે નોંધનીય છે કે, ટીકીટ કોને મળશે...? એની ભારે ઇંતેજારી અને આતુરતા વચ્ચે ઉમેદવારીની દાવેદારી કરનાર તમામ મુરતીયાઓમાં બપોર સુધી અસંજસની સાથે ભારે ઉત્તેજના જોવા મળી હતી, પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ગયેલા સ્થાનિક કાફલા સિવાય અન્ય શહેરના પક્ષના આગેવાનોને પણ બપોર સુધી ક્યા ઉમેદવાર ફાઇનલ થયા છે...? તેના નામની જાણ પ્રદેશ કક્ષાએથી કરવામાં આવી ન હતી, આ પણ યાદી કે નામ લીક ન થાય તે માટેની રણનીતિનો એક ભાગ હોઇ શકે, એમ પણ ચર્ચાઇ રહ્યું છે.


બીજી બાજુ ગઇકાલે મોડી રાત્રી સુધી બેઠકનો ધમધમાટ ચાલ્યા બાદ સુત્રોના જણાવ્યા મુજબ આજે સવારે સૌપ્રથમ ૯-૦૦ કલાકે અને ત્યારબાદ ૧૨-૦૦ કલાકે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે, તેવી ચર્ચાઓ પક્ષના કાર્યાલયે અને ઉમેદવારોમાં વ્હેતી થઇ હતી, પરંતુ આ ચર્ચાઓ ચર્ચા સુધી જ સીમીત રહી હતી, કારણ કે, બપોરે એકાદ વાગ્યાની આસપાસ સુધી ઉમેદવારોની યાદી જાહેર થઇ ન હતી, આથી દાવેદારોમાં ઉચાટ વધ્યો હતો, બીજી બાજુ ઉમેદવારોની યાદીનું સસ્પેન્સ ક્યારે ખતમ થશે...? તેના પર સૌની મીટ મંડાયેલી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News