જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ફરજ માટે નિમાયેલા ફલાઇંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સની નિમણુંકમાં સુધારા હુકમ જાહેર કરાયો

  • April 19, 2024 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ફરજ માટે નિમાયેલા ફલાઇંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સની નિમણુંકમાં સુધારા હુકમ જાહેર કરાયો

જામનગર તા.18 એપ્રિલ, લોકસભા સામાન્ય ચૂંટણી–2024 ના અનુસંધાને 12-જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ જામનગર જિલ્લાના તમામ 5 વિધાનસભા મતદાર વિભાગો માટે જેમને મુખ્ય નિર્વાચીન અધિકારીશ્રી તરફથી, આ કચેરી તરફથી, નોડલ અધિકારીશ્રી તરફથી, ચૂંટણી અધિકારીશ્રી કે મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી તરફથી ચૂંટણી વિષયક કામગીરી સોંપવામાં આવી છે. 

તે પૈકી જે અધિકારીશ્રી કે કર્મચારીશ્રીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર મળેલા નથી, તો તેઓ ચૂંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે કરી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકે તે માટે સરકારશ્રીના ગૃહ વિભાગના જાહેરનામા મુજબ ફોજદારી કાર્યરિતી અધિનિયમ-1973 ની કલમ–21 હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટશ્રી તરીકેના તથા આ અધિનિયમની કલમ-44, 103, 104, 129 અને 144 ના અધિકારો મળવાપાત્ર થાય છે. 

આ અધિકારો ભોગવવા માટેનો વિસ્તાર અને સમયગાળો નિશ્વિત કરવા માટે જામનગર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને અધિકૃત કરવામાં આવ્યા છે. હાલમાં ભારતીય ચૂંટણી પંચની સૂચના અનુસાર રાજકીય પક્ષો કે ઉમેદવારો તરફથી કરવામાં આવતા ખર્ચ પર દેખરેખ રાખી શકાય અને નિયંત્રણ જળવાઈ રહે તે હેતુથી ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમોની રચના હુકમથી કરવામાં આવી છે. તેમજ ઉપરોક્ત હુકમ મુજબ તેમને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટશ્રી તરીકેના અધિકારો આપવામાં આવ્યા છે. 

અનિવાર્ય સંજોગોના કારણે સુધારા હુકમને ધ્યાનમાંં રાખીને અમુક કર્મચારીશ્રી કે અધિકારીશ્રીઓની ફેરબદલી કરવામાંં આવી છે. જેથી અત્રે જણાવ્યા અનુસાર કર્મચારી કે અધિકારીશ્રીને કમી કરવામાંં આવ્યા છે અને તેમને આપેલા અધિકાર પરત ખેંચવામાંં આવે છે. તેમજ તેમના સ્થાન પર અત્રે જણાવ્યા અનુસાર કર્મચારી કે અધિકારીશ્રીની નિમણુંક કરવામાં આવી છે. તે સર્વેને તેમના વિસ્તાર કે કાર્યક્ષેત્રમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીના સમયગાળા માટે ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટશ્રી તરીકેના અધિકારો ભોગવવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. 

જે અનુસાર, 78-જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાં સ્ટેટિક સર્વેલન્સ ટીમમાં શ્રી સુધીર જોશીના સ્થાને શ્રી નાથુભાઈ આંબલીયા અને 78-જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાં ફ્લાઈંગ સ્ક્વોડ ટીમમાં શ્રી સુનિલ મહેશચંદ્ર શાહના સ્થાને શ્રી ચૌહાણ મિલનની નિમણુંક કરવામાં આવી છે. 78-જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાં ફ્લાઈંગ સ્ક્વોડ ટીમમાં શ્રી અજયકુમાર કે.સિંઘના સ્થાન પર શ્રી હિતેશ જોશીની નિમણુંક કરવામાં આવી છે.

તેમજ 79-જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં સ્ટેટિક સર્વેલન્સ ટીમમાં શ્રી એ.એ.ચાવડાના સ્થાને શ્રી રાજન માંડલીયાની નિમણુંક કરાઈ છે અને 79-જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં સ્ટેટિક સર્વેલન્સ ટીમમાં શ્રી એસ.પી.પરમારના સ્થાન પર શ્રી શૈલેન્દ્રસિંહ ઝાલાની નિમણુંક કરવામાં આવી છે. 

અત્રે જણાવ્યા અનુસાર કર્મચારીશ્રીઓ કે અધિકારીશ્રીઓએ તેમને મળેલા કાર્યપાલક મેજિસ્ટ્રેટશ્રી તરીકેના અધિકારોનો ઉપયોગ ફક્ત ચૂંટણીલક્ષી કામગીરી માટે જ કરવાનો રહેશે. આ અધિકારોનો દુરૂપયોગ ના થાય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે. તેમ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.કે.પંડયા,જામનગર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application