આજે આદ્ય શંકરાચાર્યજીના જન્મોત્સવની દ્વારકામાં ઉજવણી
પાદુકા પૂજન, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાશે: શ્રી શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ તથા શ્રી નારાયણનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ કરાયુ આયોજન
યાત્રાધામ દ્વારકામાં સ્થિત સ્થિત શારદાપીઠ શંકરાચાર્ય મઠમાં સનાતન ધર્મના પ્રણેતા અને અદ્વૈત વેદાંતના પ્રસારક ભગવત્પાદ આધ શંકરાચાર્યજીની જન્મ જયંતી નિમિત્તે આજે વિવિધ ધર્મોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ છે.
આજે વૈશાખ સુદ પાંચમ તા.૨૧ એટલે આદ્ય શંકરાચાર્યજીની જન્મજયંતિ છે તે નિમિતે દ્વારકામાં આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત વહેલી સવારથી ભકતોનું ઘોડાપુર ઉમટી પડયુ છે. સવારે ૧૦ વાગ્યે પવિત્ર પાદુકા પુજન, ઘ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે શારદાપીઠ ખાતે આદ્ય શંકરાચાર્યજીની પાદુકાનું - વૈદિક વિધિપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું તેમજ સાથે સાથે દ્વારકાધીશ મંદિરના શિખર પર ધ્વજારોહણ પણ કરાયુ હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે,કે આદ્ય શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર મઠ ઉત્તરામન્ય મઠ, અથવા ઉત્તર મઠ જે જ્યોતિર્મઠ (ઉત્તરાખંડ)માં સ્થિત છે. જ્યોતિ મઠ તરીકે ઓળખાય છે. પૂર્વામન્ય મઠ, અથવા પૂર્વ મઠ જે પુરી (ઓરિસ્સા)માં સ્થિત છે. ગોવર્ધન મઠ તરીકે ઓળખાય છે. દક્ષિણામન્ય મઠ, અથવા દક્ષિણ મઠ જે (કર્ણાટક)માં સ્થિત છે. શૃંગેરીપીઠ તરીકે ઓળખાય છે. પશ્ચિમામન્ય મઠ, અથવા પશ્ચિમ મઠ જે દ્વારકા (ગુજરાત)માં સ્થિત છે. શારદાપીઠ તરીકે ઓળખાય છે.
આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ-સંતો, ધર્મપ્રેમી ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ઉત્સવને ભવ્ય બનાવી સહભાગી બન્યા હતા. આ કાર્યક્રમનું આયોજન બ્રહ્મચારી શ્રીનારાયણાનંદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.