કલ્યાણપુરના દુધીયા ગામે યુવાનની થયેલી હત્યામાં આરોપીઓ પકડાયા

  • May 12, 2026 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: કલ્યાણપુરના દુધીયા ગામે યુવાનની થયેલી હત્યામાં આરોપીઓ પકડાયા

કુવે જવાના માર્ગના મામલે યુવકનુ ઢીમ ઢાળી દીધુ હતું : ગણતરીની કલાકોમાં પોલીસની કાર્યવાહી 

કલ્યાણપુર તાલુકાના દુધીયા ગામમાં ગઇકાલે યુવાનની હત્યા નિપજાવવામાં આવી હતી જે બનાવમાં કલ્યાણપુર અને ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ કરીને ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. કુવા જવાના રસ્તા બાબતે મનદુ:ખ થયેલ હોય જેનો ખાર રાખીને આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી કુહાડા, પાઇપ, લાકડી જેવા હથિયારોથી હુમલો કરીને યુવાનનું ઢીમ ઢાળી દીધુ હતું.

રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા દ્વારકા જીલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા તથા નાયબ પોલીસ અધીક્ષક સાગર રાઠોડની સુચનાથી કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ખુનનો ગુનો નોંધાયેલ આ ગુનાના આરોપીઓને પકડી પાડવા સુચના  અને માર્ગદર્શન હેઠળ કલ્યાણપુરના પીઆઇ આર.એન. હાથલીયા, પીએસઆઇ એમ.આર. સવસેટા તથા વી.આર. શુકલ તેમજ સર્વેલન્સ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના  એએસઆઇ મશરીભાઇ તથા ડાડુભાઇની અલગ અલગ ટીમો બનાવી હતી. દરમ્યાનમાં હકીકત આધારે આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામના ફરીયાદી તથા કામના આરોપીઓની ખેતીની જમીન એક જ શેઢે બાજુમાં આવેલ હોય અને ફરીયાદીની ખેતીની જમીનમાં આવેલ કુવો અને કુવે જવાના રસ્તા બાબતે અગાઉ મરણ જનાર દેવાણંદભાઇ સાથે મનદુ:ખ થયેલ તે બાબતનો ખાર રાખી આ કામના આરોપીઓએ એક સંપ કરી ગેરકાયદે મંડળી રચી ફરીયાદીના દિકરા દેવાણંદભાઇ લાખાભાઇ વરૂ​​​​​​​ (ઉ.વ.૪૨)નું મોટરસાઇકલ લઇને પોતાના ઘરે વાડીએ જતા હતા ત્યારે ફરીયાદીના દિકરા સાથે બોલાચાલી કરી ગાળો આપી અને જેસા કેશુર વરૂ, રામદે કેશુર વરૂ, નરેશ જેશા વરૂ, નાથીબેન જેસા વરૂ તથા જાનાબેન રામદે વરૂ રહે બધા દુધીયા ગામ કલ્યાણપુરવાળા  ઓએ ગેરકાયદે મંડળી રચી લોખંડના પાઇપ તથા લાકડી, કુહાડા સાથે ઘસી આવ્યા હતા.

આરોપીઓએ હથિયારો વડે યુવાન પર હિંચકારો હુમલો કરી હાથ, પગ, છાતી, પેટ જેવા શરીરના ભાગે જીવલેણ ઇજા પહોચાડી મોત નિપજાવી નાસી ગયા હતા, આ બનાવની જાણ થતા કલ્યાણપુર અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા હતા. દરમ્યાનમાં ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીઓને પકડી લીધા છે અને તપાસ આગળ ધપાવી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application