શેખપાટ પાસે બંધ પડેલા ટ્રક ની પાછળ સ્કૂટર ઘુસી જતાં ઠેબા ગામના વતની સ્ફુટરચાલક કારખાનેદાર બુજુર્ગનું અંતરિયાળ મૃત્યુ.
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માતની હાર માળા યથાવત રહી છે. ગઈકાલે શેખપાટ ગામના પાટીયા પાસે વધુ એક ગોજારો અકસ્માત સર્જાયો હતો. ઠેબા ગામના કારખાનેદાર બુઝુર્ગ ધ્રોલ પંથકમાંથી લૌકિક ક્રિયા પતાવીને પરત ફરી રહ્યા હતા, દરમિયાન બંધ ટ્રક પાછળ ઘુસી જતાં ગંભીર ઇજા થવાથી તેઓનું કરુણ મૃત્યુ નિપજ્યું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા અને બ્રાસપાર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા પરષોત્તમભાઈ લાધાભાઈ સંઘાણી નામના ૬૩ વર્ષના બુઝુર્ગ કે જેઓ પોતાના કુટુંબીનું અવસાન થયું હોવાથી લૌકિક ક્રિયા પતાવવા માટે ધ્રોલ પંથકમાં ગયા હતા, અને ત્યાંથી પોતાના સ્કૂટર પર ઠેબા ગામે પરત આવવા માટે નીકળ્યા હતા.

તે દરમિયાન જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર શેખપાટ ગામના પાટીયા પાસે માર્ગ ઉપર બંધ પડેલા જી.જે. ૨૫ યૂ. ૯૯૨૩ નંબરના ટ્રક ની પાછળ ઘૂસી જતાં ગોજારો અકસ્માત થયો હતો.

જેમાં તેઓને હેમરેજ સહિતની ગંભીર ઈજા થવાથી કરુણ મૃત્યુ નીપજયું છે. મૃતક પરસોત્તમ ભાઈના પુત્ર નરેશભાઈ સંઘાણીએ જામનગરના પંચકોસી એ. ડિવિઝન પોલીસ મથકમાં માર્ગ પર રેઢો મૂકી દેનાર ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ હેડ કોન્સ્ટેબલ જી.કે. જાડેજા વધુ તપાસ ચલાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application