દેવભૂમિ દ્વારકા : અખાત્રીજ જેવા શુભ પ્રસંગે બાળલગ્ન મુક્ત તરફ એક સશક્ત પગલું
અખાત્રીજ જેવા શુભ પ્રસંગે સમાજમાં લગ્ન સમારંભોની પરંપરા પ્રચલિત છે. પરંતુ આ અવસરનો દુરુપયોગ કરીને બાળલગ્ન જેવી કાયદેસર રીતે પ્રતિબંધિત અને સમાજ માટે હાનિકારક પ્રથા હજુ પણ ક્યાંક જોવા મળે છે. તા.૧૯/૦૪/૨૦૨૬ અખાત્રીજ (અક્ષય તૃતીયા) તથા અન્ય શુભ દિવસોમાં મોટા પ્રમાણમાં લગ્નોત્સવો યોજાતા હોય છે. આવા પ્રસંગોએ ખાસ કરીને બાળલગ્નો ન થાય તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા વ્યાપક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા કરાવવું કાયદેસર ગુનો છે અને સજાપાત્ર છે. આવા ગુનામાં રૂ. ૧ લાખ સુધીનો દંડ તથા બે વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે. બાળલગ્નો માત્ર કાનૂની રીતે જ નહીં પરંતુ સામાજિક રીતે પણ ગંભીર દુષણ છે, જેનાથી બાળકોના આરોગ્ય, શિક્ષણ અને ભવિષ્ય પર ગંભીર પ્રતિકૂળ અસર પડે છે.
જો ક્યાંય બાળલગ્ન થતું જણાય તો તરત જ ચાઈલ્ડ હેલ્પલાઈનઃ ૧૦૯૮, પોલીસ ૧૦૦, મહિલા અભયમ ૧૮૧, વી.જે જોશી, બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, દેવભૂમિ દ્વારકા મો.નં. ૯૪૨૭૩૨૭૩૬૧, પ્રકાશ.એમ.ખેરાળા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, દેવભૂમિ દ્વારકા મો.નં.૯૪૨૬૪૫૬૪૨૮, વી.આર.વ્યાસ મો ૯૫૫૮૧૯૯૬૬૯, દિલીપભાઈ સાલાણી ૯૭૨૭૬૧૩૨૮૬ પી.ઓ.આઈ.સીનો સંપર્ક કરવો.
જિલ્લા તંત્ર દ્વારા સમૂહ લગ્નોના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, કાજી, રસોઈયા, મંડપ ડેકોરેશન સેવાપ્રદાતાઓ, ફોટોગ્રાફરો તેમજ વર-કન્યા પક્ષના પરિવારોને ખાસ અનુરોધ કરવામાં આવે છે કે તેઓ બાળલગ્નો અટકાવવામાં સહયોગ આપે. બાળલગ્નને રોકવું એ સમાજની સંયુક્ત જવાબદારી છે. ચાલો, અખાત્રીજને સાચા અર્થમાં શુભ અને પવિત્ર બનાવીએ અને બાળલગ્ન જેવી કુપ્રથાને સૌ સાથે મળીને નાબૂદ કરીએ તેમજ સૌના સહકારથી દેવભૂમિ દ્વારકા જિલ્લાને બાળલગ્ન મુક્ત બનાવવાનું આ જનઆંદોલન વધુ મજબૂત બનાવીએ તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે.