દેવભૂમિ દ્વારકા : ચૈત્રી અમાસે દ્વારકામાં હકડેઠઠ માનવ મેદની
કૃષ્ણ ભક્તોએ ગોમતી સ્નાન કરી કાળીયા ઠાકોરના કર્યાં દર્શન
હિન્દુ ધર્મમાં અમાસ અને પૂનમનું આગવું મહત્વ છે જેમાં ખાસ કરીને દ્વારકામાં અમાસ,પૂનમ અને શની-રવિની રજાઓમાં અન્ય દિવસો કરતાં વધારે ટ્રાફીક જોવા મળે છે, શુક્રવારે ચૈત્રી અમાસે કાન્હાની નગરીમાં ભકતજનોની ભારે ભીડ જોવા મળી હતી. ચૈત્રી અમાવસ્યાથના દર્શનનો અવસરે ધર્મનગરી દ્વારકાધીશ જગતમંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.
આ પવિત્ર પ્રસંગે ભાવિકોએ ગોમતી નદી ખાતે સ્નાન કરીને દાન-પુણ્ય તથા ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. ગોમતી સ્નાનને પાવનકારી માનવામાં આવતા ભક્તોએ શ્રધ્ધાપૂર્વક સ્નાન કરી શ્રદ્ધાળુઓ કાળિયા ઠાકોરને નમન કરીને જીવન ધન્ય બનાવ્યું હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો.
જગતમંદિરમાં મંગલા આરતી દરમિયાન ભક્તોની વિશાળ ભીડ ઉમટી પડી હતી.જય દ્વારકાધીશથના ગૂંજતા નાદ વચ્ચે મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. સંકીર્તન, પ્રભુસ્મરણ અને પૂજા-અર્ચન સાથે દિવસભર ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સ્થાનિક તંત્ર અને મંદિર વ્યવસ્થાપન દ્વારા ભક્તોને સુવિધા મળે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત શાંતિપૂર્ણ પૂર્ણ થયો હતો. ઉપરાંત આ તકે ચૈત્રી અમાવસ્યાના આ પાવન અવસરે દ્વારકામાં ભક્તિ અને આસ્થાનો અવિસ્મરણીય દ્રશ્ય સર્જાયો હતો.