આવતીકાલે ખંભાળિયા બનશે જલારામમય: જલારામ જયંતિની ઉજવણીના વિવિધ કાર્યક્રમનું આયોજન

  • November 07, 2024 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રઘુવંશી યુવાઓ માટે થેલેસેમિયા કેમ્પનું સુંદર આયોજન: સલાયા, બારાડી બેરાજા, ભરાણા સહિતના ગામોમાં પણ વિવિધ આયોજનો


સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 225 મી જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં આવતીકાલે શુક્રવારે અનેકવિધ ધાર્મિક તેમજ સામાજિક કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પરંપરાગત શોભાયાત્રા, મહાપ્રસાદ તેમજ રઘુવંશી તરુણો-યુવાઓ માટે થેલેસેમિયા કેમ્પનું પણ આયોજન કરાયું છે.

      પૂજ્ય જલારામ બાપાની 225 મી જન્મ જયંતી પ્રસંગે ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોહાણા મહાજન ટ્રસ્ટના ઉપક્રમે આવતીકાલે શુક્રવારે શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા સાંજે 4 વાગ્યે અત્રે જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી જલારામ બાપાના મંદિર ખાતેથી શોભાયાત્રાની શરૂ થશે. આ શોભાયાત્રા વાજતે-ગાજતે શહેરના જુદા જુદા રાજમાર્ગો પર ફરી અને રાત્રે નવી લોહાણા મહાજન વાડી - બેઠકો રોડ ખાતે સંપન્ન થશે.

      જલારામ જયંતિની પૂર્વ સંધ્યાએ આજરોજ રાત્રે 9 વાગ્યે લોહાણા મિત્ર મંડળ દ્વારા જલારામ મંદિર ખાતે જલારામ બાપાની ઝાંખીનું પણ આયોજન થયું છે. જલારામ જયંતીના પાવન પર્વે શુક્રવારે સવારે 8 વાગે જલારામ બાપાના મંદિર ખાતે આરતી તેમજ અન્નકૂટના દર્શન, સવારે 9:30 વાગ્યે નૂતન ધ્વજારોહણ તેમજ બપોરે 12:30 વાગ્યે જલારામ મંદિર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. 

       લોહાણા મહાજન ટ્રસ્ટના ઉપક્રમે જલારામ જયંતિની ઉજવણી સાથે આવતીકાલે સાંજે 5 થી 9:30 વાગ્યા સુધી રઘુવંશી જ્ઞાતિના 10 વર્ષથી મોટી ઉંમરના છોકરાઓ તેમજ છોકરીઓ માટે થેલેસેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે મહાજનના ટ્રસ્ટી કમલેશભાઈ વિઠલાણીના આર્થિક સહયોગથી અહીંની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન કિરીટભાઈ મજીઠીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો છે. જેનો લાભ લેવા જ્ઞાતિજનોને લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

      આ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિજનો માટે સમૂહ ભજન (નાત)નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલે શુક્રવારે સાંજે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી બહેનો માટે તેમજ રાત્રે 8:30 થી 10 વાગ્યા સુધી ભાઈઓ માટે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું કરાયું છે. આ વચ્ચે અન્નનો બગાડ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા પણ આયોજકો દ્વારા સર્વેને અનુરોધ કરવામાં આવ્યો છે. આ તમામ આયોજનો માટે લોહાણા મહાજન ટ્રસ્ટના વડપણ હેઠળ સેવાભાવી કાર્યકરો તેમજ જ્ઞાતિની જુદી જુદી સંસ્થાઓ દ્વારા ખભેખભા મિલાવીને જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

      ખંભાળિયા તાલુકાના બારાડી બેરાજા ગામે આવેલા જલારામ મંદિર ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ જયંતિ નિમિત્તે આવતીકાલે શુક્રવારે સવારે 10:30 વાગ્યા શોભાયાત્રા, 11:30 વાગ્યે નૂતન ધ્વજારોહણ તેમજ 12 વાગ્યે બટુક ભોજન અને એક વાગ્યે મહાપ્રસાદ સહિતના વિવિધ આયોજન માટે ભગવાનજી પ્રેમજીભાઈ બારાઈ પરિવાર તેમજ જ્ઞાતિના કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

     ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે પણ છેલ્લા 30 વર્ષોથી જલારામ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ જલારામ જયંતિ નિમિત્તે ભરાણા ગામના મંદિરે સવારે નૂતન ધ્વજારોહણ તેમજ બપોરે સમૂહ ભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

     ખંભાળિયા તાલુકાના સલાયા ગામે જલારામ જયંતિ નિમિત્તે જલારામ મંદિરે બપોરે 12 વાગ્યે નૂતન ધ્વજારોહણ તેમજ બપોરે 1 વાગ્યે લોહાણા મહાજન વાડી ખાતે સમસ્ત હિંદુ સમાજના સમૂહ ભોજન (મહાપ્રસાદ)નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જે માટે સ્થાનિક વિવિધ સંસ્થાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application