સોનાનો ભાવ આસમાને પહોંચતા રાજકોટની સોની બજારમાં અખાત્રીજની ખરીદીનો માહોલ જ નથી, જાણો હાલ શું છે ભાવ

  • April 28, 2025 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાના મુહૂર્તનું વિશેષ મહત્વ રહેલું હોય છે. આ દિવસને અખાત્રીજના વણ જોયા મુહૂર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. આગામી તારીખ 30ને બુધવારે અખાત્રીજ છે ત્યારે આ દિવસે સોનાની ખરીદીનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે. અખાત્રીજના દિવસે લગ્નની ભરમાર હોય છે તો સમગ્ર વૈશાખ મહિનામાં લગ્ન ગાળો રહેશે. અખાત્રીજના દિવસે સોનાની ખરીદી કરવી પણ શુભ ગણાતી હોવાથી મોટાભાગના લોકો સોનુ ખરીદી કરતા હોય છે. આ વખતે વૈશ્વિક પરિબળોની અસરના કારણે તાજેતરમાં જ સોનાના ભાવ ૧ લાખની ઐતિહાસિક સપાટીએ નોંધાયા બાદ તેમાં થોડો ઘણો ઘટાડો થયો છે. પરંતુ સોનાના ભાવ આસમાને પહોંચતા બજારમાં જોઈએ તેવી ખરીદી નીકળી નથી. જુનુ સોનુ દહીં અને નવી ખરીદી કરતા ગ્રાહકો પ્રમાણમાં વધારે જોવા મળી રહ્યા છે.લોકો સોનાના ભાવ ઘટે તેના પર મીટ માંડીને બેઠા છે.  તથા રોકાણ માટેની શુકનવંતી ખરીદી કરી રહ્યા છે અથવા તો લાઈટ વેઈટ ઘરેણાની પસંદગી કરતા જોવા મળી રહ્યા છે.


રોકાણ માટે સોનું લોકોની પ્રથમ પસંદગી બન્યું 

રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશનના પ્રમુખ ભાયા સાહોલિયાના જણાવ્યા પ્રમાણે અહીંની સોની બજારમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ આજે ૯૮, ૫૦૦ થયો છે. તો ૨૨ કેરેટ સોનાનો ભાવ ૮૭,૯૦૦ નોંધવામાં આવ્યો છે. ત્યારે સોની બજારમાં નહીંવત ખરીદી જોવા મળી રહી છે. રોકાણની દ્રષ્ટિએ લોકો જરૂરિયાત પૂરતી ખરીદી કરે છે. જ્યારે અખાત્રીજના મુહૂર્ત અને લગ્નગાળા મુજબની ખરીદી થઈ રહી નથી. ખાસ કરીને રોકાણ માટે સોનું લોકોની પ્રથમ પસંદગી બન્યું છે. 


લોકો રોઝગોલ્ડના લાઈટ વેટના ઘરેણા પર પસંદગી ઉતારી રહ્યા છે

રાજકોટની સોની બજારના અન્ય એક સુદર્શન ગોલ્ડના સંચાલક સોનુ સાહોલિયાના જણાવ્યા પ્રમાણે એક વર્ગના લોકો સોનાની ખરીદીમાં લોકો ક્વોલિટીમાં બાંધછોડ કરી રહ્યા નથી. રોકાણની દ્રષ્ટિએ સોનાની શુકનવંતી ખરીદી માટે સારા વળતરની આશાએ જ લોકો ૨૪ કેરેટ સોના તથા ચાંદીની ગીનીની ખરીદી કરી રહ્યા છે. તો મધ્યમ વર્ગના ગ્રાહકો ખરીદી માટે સોનાના ભાવ ઘટે તેની રાહ જોઈ રહ્યા છે. અથવા તો લગ્નગાળાના કારણે ૨૨ કેરેટ સોનાના તથા રોઝગોલ્ડના લાઈટ વેટના ઘરેણા પર પસંદગી ઉતારી રહ્યા છે.


ગ્રાહકો ખરીદી માટે નીરસતા દાખવી રહ્યા છે

રાજકોટના રાધિકા જ્વેલર્સના સંચાલક દર્શિતભાઈ સોનીના જણાવ્યા પ્રમાણે હાલમાં વૈશ્વિક પરિબળોની અસરના કારણે લોકો આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. લોકોના હાથમાં નાણાં નહિ હોવાથી અક્ષય તૃતીયાને લઈને નહીવત ખરીદી જોવા મળી રહે છે. સોની બજારમાં અક્ષય તૃતીયાની ખરીદી જેવો કોઈ માહોલ જ જોવા મળી રહ્યો નથી. સોનાના ઊંચા ભાવના કારણે ગ્રાહકો ખરીદી માટે નીરસતા દાખવી રહ્યા છે. શુકન માટેની ખરીદી માટે ૨ ગ્રામ અને 3 ગ્રામ ગીની તથા લગ્નની ખરીદી માટે લાઈટ વેઈટના ૧૮ અને કેરેટના દાગીનાની ખરીદી કરવામાં આવી રહી છે.


સોનાની ખરીદીનો શોખીન વર્ગ પ્રમાણમાં ઓછી ખરીદી કરી રહ્યો છે

અન્ય એક ઝવેરી શિલ્પા જવેલર્સના સંચાલક પ્રભુદાસ પારેખના જણાવ્યા પ્રમાણે સોનાની ધીમી ખરીદી થઈ રહી છે. સોનાની ખરીદીનો શોખીન વર્ગ પ્રમાણમાં ઓછી ખરીદી કરી રહ્યો છે, પરંતુ ખાસ ક્વોલિટી અને ડિઝાઇનને પ્રાધાન્ય આપી અને સોનાની ખરીદી કરવામાં આવી રહી છે. ઘરેણાના સ્થાને રોકાણ માટે અને શુકનવંતી ખરીદી માટે સોનાની ગીનીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તો મધ્યમ વર્ગમાં ૧૮ અને ૨૨ કેરેટના લાઈટ વેઈટના ઘરેણાની પસંદગી કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application