આ જ બાકી હતું... 23 વર્ષની ટીચર 11 વર્ષના વિદ્યાર્થીને લઈ ભાગી ગઈ, પોલીસ વાત સાંભળી ચકરાવે ચડી, ગુજરાતનો ચોંકાવનારો કિસ્સો

  • April 28, 2025 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં 23 વર્ષની ટીચર 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડીને જતી રહી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થીને ભગાડી જતી શિક્ષિકા સીસીટીવીમાં કેદ થઈ છે. વિદ્યાર્થીના પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આ વાત સાંભળી તો પોલીસ પણ ચકરાવે ચડી ગઈ હતી. વિદ્યાર્થીના પિતાએ શિક્ષિકા સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે. 


ત્રણ વર્ષથી ટીચર ટ્યુશન કરાવતી

મળતી માહિતી મુજબ, સુરતના પુણામાં એક જ વિસ્તારમાં રહેતા બે પરિવાર પોલીસ મથકે પહોંચ્યા હતા. બંનેની પાસેથી જે વિગતો બહાર આવી હતી એ સાંભળી પોલીસનું મગજ ચકરાવે ચડી ગયું હતું. 11 વર્ષીય વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે તેમના પુત્રનું અપહરણ થયું છે. વાત એમ હતી કે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો તેમનો 11 વર્ષીય પુત્ર 25મીએ બપોરે ઘર બહાર રમતો હતો ત્યાંથી ગુમ થઈ ગયો હતો. સીસીટીવી ચેક કરતાં તેમના બાળકને નજીકમાં જ રહેતી અને તેને એકલાને ત્રણ વર્ષથી ટ્યૂશન કરાવતી તથા શાળામાં પણ વર્ગશિક્ષિકા રહી ચૂકેલી 23 વર્ષીય યુવતી તેને ભગાડી લઈને જતી દેખાઈ હતી. જે શિક્ષિકા આ વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી તેનાં માતા-પિતા અને પરિવાર પણ પોલીસ મથકે આવ્યાં હતાં અને બપોરે તે બેગ લઈને નીકળી હોવાનું જણાવ્યું હતું.


ટીચર વિદ્યાર્થી સાથે ટ્રેનમાં બેસી રવાના થઈ

23 વર્ષીય શિક્ષિકા તેના 11 વર્ષીય વિદ્યાર્થીને જ ભગાડી ગયાની વાતે પોલીસ અધિકારીઓનું પણ મગજ ચકડોળે ચડ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતાં આ બાળક અને શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન ઉપર સાંજે પાંચ વાગ્યે પહોંચે છે. શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન પહોંચીને પોતાનો ફોન પણ બંધ કરી દેવાની સાથે બાળક સાથે ટ્રેનમાં બેસી રવાના થઈ જતી દેખાઈ આવી હતી.


શિક્ષિકાએ ભાગતાં પહેલાં બુક માય ટ્રિપ પર ટૂર બુક કરાવી હતી

આ મામલો ગંભીર હોય, પુણા પોલીસની બે ટીમ અને કાપોદ્રાની એક ટીમ મળી કુલ ત્રણ ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. બુક માય ટ્રિપથી આ શિક્ષિકાએ ટૂર બુક કરાવ્યાની ડિટેઇલ પોલીસને મળી હતી. આ શિક્ષિકાએ પોતાના ઘરેથી કપડાં ભરેલી બેગ લીધી હતી, પરંતુ બાળક પાસે કોઈ સામાન ન હતો. એક દિવસ પહેલાં પણ આ શિક્ષિકા બેગ લઇને જતી દેખાઇ હતી. બીજા દિવસે બાળકને પણ લઇ ગઇ હતી. શિક્ષિકા ફરવા જવા માગતી હોય અને તે પોતાની સાથે આ બાળકને પણ લેતી ગઇ હોય એવું બની શકે. જોકે પોલીસ બધી દિશામાં તપાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application