ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાલ છઠ્ઠા દિવસમાં પ્રવેશી

  • October 26, 2024 12:20 PM 

દીપોત્સવી ટાંકણે જ ઉભરાતી ગટરો, કચરાના ગંજથી નગરજનો ત્રસ્ત


ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારોના વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓ મુદ્દે શાંત અને અહિંસક ચાલતી હડતાલ આજે છઠ્ઠા દિવસમાં પ્રવેશી છે. સફાઈ કામદારો દ્વારા છેલ્લા છ દિવસથી ચાલી રહેલી આ હડતાલના આટલા દિવસે પણ નગરપાલિકાના સત્તાધીશો સફાઈ કામદારોની હડતાલનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવવાના બદલે ગુપ્ત રીતે સફાઈ કામદારોની ન્યાય અને સત્ય માંગણીઓ માટેની હડતાળને તોડી પાડવાના કથિત રીતે હિન કક્ષાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સફાઈ કામદારોએ કરી, અને આ બાબતને દુઃખદ ગણાવી છે.


આગામી દિવસોમાં દિવાળીના ધાર્મિક તહેવારો આવી રહ્યા છે. ત્યારે નગરપાલિકાના સત્તાધીશોએ સફાઈ કામદારોની હડતાળનું સુખદ રીતે નિરાકરણ લાવે તેવું સફાઈ કામદારો ઈચ્છી રહ્યા છે. આ વચ્ચે સત્તાધીશો દ્વારા સફાઈ કામદારોની આ શાંત અને અહિંસક રીતે ચાલતી હડતાળને તોડી પાડવાના પ્રયાસો કરવામાં આવશો તો ના છૂટકે સફાઈ કામદારોની આ હડતાળને ઉગ્ર બનાવીને જલદ કાર્યક્રમો કરવાની ફરજ પડશે. તેવી ચીમકી સફાઈ કામદારોના નેતા રમેશ વાઘેલા દ્વારા આપવામાં આવી છે. જે અંગે ઉપસ્થિત થનારી પરિસ્થિતિની જવાબદારી સ્થાનિક તંત્રની રહેશે તેમ પણ વધુમાં જણાવ્યું છે.


જો કે આંદોલનમાં મુખ્ય માંગણીઓ જી.પી.એફ. અને ઈ.પી.એફ.ની રકમ ભરવી તથા અન્ય મુદ્દાઓ અંગે નગરપાલિકા દ્વારા કાર્યવાહી થઈ ચૂકી છે. પરંતુ સફાઈ કામદારો દ્વારા વધુ 50 કર્મચારીઓની ભરતી કરવાના મુદ્દે મુખ્ય સંઘર્ષ હોવાનું કહેવાય છે. હાલમાં 119 કર્મચારીઓ છે. ત્યારે વધુ નવા 50 કર્મચારીઓની ભરતી કરવાનો નિર્ણય નગરપાલિકાના સદસ્યો દ્વારા સામાન્ય સભામાં લેવામાં આવે તો આર્થિક જવાબદારી તેમની ઉપસ્થિત થતા તેમની પાસે સરકાર દ્વારા રિકવરી કરવામાં આવે તેવું હોવાથી આ પ્રશ્ન હાલ મડાગાંઠ જેવો બની રહ્યો છે.


ત્યારે દિવાળીના દિવસોમાં જ શહેરમાં ઉભરાતી ગટરો તેમજ ઠેર ઠેર જોવા મળતા ગંદકીના ગંજથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application