રૂ.૧.૭ કરોડના ખર્ચે બનેલા મોડપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે લોકાર્પણ કરાયું

  • April 30, 2025 05:15 PM 

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધાથી આજુબાજુના ૧૦ ગામોના ૨૫૦૦૦ જેટલા લોકોને ઘર આંગણે આરોગ્યલક્ષી સેવાઓ મળશે : મંત્રી

જામનગર તા.૩૦ એપ્રિલ, રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઇ બેરાએ લાલપુર તાલુકામાં મોડપર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. રૂ.૧કરોડ ૭લાખના ખર્ચે ૪૫૫.૫૩ ચો.મી. જગ્યામાં નિર્માણ પામેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પી.એમ.રૂમ, ડ્રેસીંગરૂમ, લેબોરેટરી, મમતા કલીનીક, લેબરરૂમ, પ્રિઓપરેશન રૂમ, સ્ક્રબ રૂમ, ચેન્જ રૂમ, માઇનોર ઓપરેશન થિયેટર, પુરુષ અને સ્ત્રીઓનો અલગ વોર્ડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 


આ કાર્યક્રમમાં મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, સર્વે ભવન્તુ સુખીન: ના મંત્ર સાથે આરોગ્યની સુખાકારી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર સતત કાર્યરત છે. જામનગર જિલ્લામાં ૩૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે તે પૈકી લાલપુર તાલુકાના મોડપર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા થકી આજુબાજુના ૧૦ ગામોની ૨૫૦૦૦ જેટલી વસ્તીને અહીની સેવાઓનો લાભ મળશે.


વિશ્વની સૌથી મોટી આરોગ્યલક્ષી યોજના ભારતમાં લાગુ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના આયુષ્માન કાર્ડની સુવિધાથી ગુજરાતમાં રૂ.૧૦ લાખ સુધીની સારવાર લોકોને વિનામૂલ્યે આપવામાં આવે છે. ત્યારે મોડપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સામાન્ય રોગો, સગર્ભાની પ્રસુતિ તથા તેના લગત સંભાળ, નવજાત શિશુની આરોગ્ય સંભાળ, બાળકોને રસીકરણ, કુટુંબ કલ્યાણની કામગીરી, ચેપી રોગોની સારવાર, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમની અમલવારી, બી.પી., ડાયાબીટીસ, કેન્સર જેવા રોગોની ઓળખ, સારવાર તથા રેફરલ સેવાઓ, પ્રાથમિક તબીબી સેવાઓ તથા જરૂરિયાત મુજબની લેબોરેટરી તપાસ સાથેની સેવાઓ આ નવનિર્મિત બિલ્ડીંગમાં ઉપલબ્ધ થશે. દરેક નાગરિક નીરોગી અને સ્વસ્થ રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. 


આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણસિંહ જાડેજા, અગ્રણી વિનોદભાઈ ભંડેરી, જીલ્લા પંચાયતના સદસ્યો વિઠ્ઠલભાઈ, કે.બી.ગાગિયા,એ.પી.એમ.સી.ના ચેરમેન કાનાભાઈ આંબલીયા,પૂર્વમંત્રી ચીમનભાઈ સાપરિયા, અગ્રણીઓ રમેશભાઈ ગાગિયા, રમેશભાઈ મુંગરા,  દિલીપભાઈ ભોજાણી, અભિષેકભાઈ પટવા,સરપંચ લખુભાઈ ગાગિયા, જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રાજેશ ગુપ્તા, તાલુકા હેલ્થ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application