ખંભાળિયાની સગીરાના અપહરણ તથા દુષ્કર્મ પ્રકરણમાં મુખ્ય આરોપીને દસ વર્ષની સખત કેદ-દંડ

  • January 15, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા પંથકમાં રહેતા એક પરિવારની સગીરાને લલચાવી ફોસલાવીને અપહરણ કરીને લઈ જવા સબબ સોનારડી ગામના મુખ્ય આરોપીને અહીંની સ્પેશિયલ એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા દસ વર્ષની સખત કેદ તથા રૂપિયા ૨૭,૦૦૦ નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ ઉપરાંત આ ગુનામાં મદદગારી કરનાર દંપતીને પણ અદાલતે કેદ તથા દંડનો હુકમ કર્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકામાં રહેતા એક પરિવારની આશરે સાડા ૧૬ વર્ષની સગીર પુત્રી સાથે ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતો પ્રદીપ ઉર્ફે પદીયો જેંતીલાલ રણછોડભાઈ રાઠોડ નામનો આશરે ૨૨ વર્ષનો શખ્સ થોડા સમય પૂર્વે ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવ્યો હતો. આ પછી આરોપી પ્રદીપ જયંતીલાલ રાઠોડ દ્વારા સગીરા સાથે બદકામ કરવાના ઇરાદાથી લગ્ન કરવાની લાલચ આપી, લલચાવી-ફોસલાવીને તેણીના પરિવારજનોના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હતો. સગીરા પોતાના ઘરેથી નીકળતા પહેલા પોતાની સાથે સોનાના દાગીના લઈ ગઈ હતી. અપહરણ દરમિયાન આરોપી પ્રદીપએ સગીરા સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો.
આ પ્રકરણમાં અન્ય આરોપીઓ સુરત ખાતે હાલ રહેતા અને મૂળ કિશનગઢ (રાજસ્થાન)ના રહીશ યોગેશ સુરેશચંદ્ર ગોરધનભાઈ જાંગીડ અને તેની પત્નિ મનીષા યોગેશ જાંગીડ દ્વારા આરોપી પ્રદીપને ભોગ બનનાર સગીરા સાથે રહેવા માટે તેમના રહેણાંક મકાન તેમજ જયપુર (રાજસ્થાન) ખાતે રહેવાની સગવડો આપતા ઉપરોક્ત દંપતિનું નામ પણ મદદગારીમાં ખુલવા પામ્યું હતું.
આટલું જ નહીં, બંને આરોપીઓએ ભોગ બનનાર સગીરા પાસે રહેલા આશરે ૮૨.૪૬ ગ્રામ જેટલા વજનના સોનાના દાગીના મેળવીને મનીષા યોગેશ જાંગીડના નામથી ખાનગી કંપનીમાં આ દાગીના ગીરવે મૂકી અને તેના પર રૂપિયા ૨,૭૯,૦૦૦ ની ગોલ્ડ લોન ઉપાડીને આ રકમ મનીષાના એચડીએફસી બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા બાદ બંને આરોપીઓએ ભોગ બનનાર સગીરાના સોનાના દાગીનાનો પોતાના અંગત આર્થિક લાભ મેળવવા માટે ઉપયોગ કર્યો હતો.
આમ, આ ત્રણેય આરોપીઓ સામે એકબીજાની મદદ કરી સાથે દુષ્કર્મ તથા પોક્સો એક્ટ વિગેરે હેઠળ પોલીસે ગુનો નોંધી, મોબાઈલ લોકેશન વિગેરેની મદદથી આશરે એકાદ સપ્તાહ બાદ આરોપીઓને દબોચી લીધા હતા અને સગીરાનો કબજો મેળવ્યો હતો.
આ અંગેનો કેસ ખંભાળિયાની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આ અંગે જજ વી.પી. અગ્રવાલ દ્વારા સમક્ષ અહીંના જિલ્લા મુખ્ય સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા એફ.એસ.એલ.ના રિપોર્ટ, મેડિકલ ઓફિસર અને અન્ય અધિકારીઓની જુબાની સાથેના આધાર પુરાવાઓ રજૂ કરતા નામદાર અદાલતે મુખ્ય આરોપી પ્રદીપ ઉર્ફે પદીયો જયંતીલાલ રાઠોડને તકસીરવાન ઠેરવી પોક્સો એક્ટ હેઠળ દસ વર્ષની સખત કેદ અને રોકડ દંડ તથા અન્ય કલમ હેઠળ પણ અલગ અલગ સજા તેમજ કુલ રૂપિયા ૨૭,૦૦૦ નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં નામદાર અદાલતે આ આરોપીને તમામ કલમોમાં તકસીરવાન ઠેરવીને કુલ ૧૭ વર્ષની કેદની સજા ફટકારી છે.
આ ઉપરાંત અન્ય આરોપી યોગેશ જાંગીડને પણ આઈપીસી કલમ ૪૦૩, ૧૧૪ તથા પોક્સો એક્ટ હેઠળ ગુનેગાર ગણી અને પાંચ વર્ષની સખત કેદ અને રૂપિયા સવા લાખનો દંડ કર્યો છે. જ્યારે અન્ય આરોપી મનીષા યોગેશ જાંગીડને પણ બે વર્ષની સખત કેદ અને રૂપિયા સવા લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ સાથે સગીરાના સામાજિક, માનસિક તથા આર્થિક પુનર્વસન માટે ભોગ બનનારને વિટનેસ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા ત્રણ લાખનું વળતર ચૂકવવા પણ અદાલત દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application